લાંચ કેસોનું ફીંડલુંને બદલે DySpને તપાસ કરવા આદેશFebruary 12, 2019

 ટ્રેપ કે ડિકોયના કેસમાં આરોપીની મિલકતોની તપાસ કરવા હુકમ: અન્ય અધિકારીઓની બદલીની ભલામણની તપાસ કરાશે: એસીબી વડાએ કર્યો પરિપત્ર
રાજકોટ તા.12
રાજકોટ સહિત રાજયભરમાં એન્ટિકરપ્શન બ્યુરો આક્રમક બન્યું છે. સુરેન્દ્રનગરના અધિક કલેકટર, ચોટીલાના પ્રાંત અધિકારી, ઈન્ચાર્જ મામલતદાર સામે ગઇકાલે જ જમીન કૌભાંડમાં ગુનો નોંધાયાની ઘટના તાજી છે ત્યારે સરકારી બાબુઓ લાંચ કેસમાં છટકી ન જાય તે માટે ડીવાયએસપીને રજેરજની તપાસ કરવાનો આદેશ રાજયના એસીબી વડાએ આપ્યો છે.
એસીબીમાં પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ રુશ્ર્વર વિરોધી બ્યુરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે તમામ મદદનીશ નિયામકોને ચીફ સરક્યુલર કમ્પ્લાઈન્સ ઓથોરીટી (સીસીસીએ) તરીકે નીમી દીધા છે. આ સીસીસીએનો તેમની પાસે આવતી ફાઈલોમા ઈન્વેસ્ટિગેશન તથા અન્ય વિષયને લગતના કેસોમાં પરિપત્રનો અમલ થયો છે કે કેમ? તેની ચકાસણી કરવાની જવાબદારી સોપાઈ છે. હવેથી પરિપત્રનો અમલ થયો હોય, તેવા જ કેસની ફાઈલ વડી કચેરીએ મોકલી શકાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એસીબીમાં લાંચિયા સરકારી બાબુઓ વિરુધ્ધ આવતી મોટાભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે. જેથી આવી તપાસોમાં ઝડપ કરવા રાજયના એસીબીના વડા
કેશવકુમારે તમામ ડીવાયએસપી (મદદનીશ નિયામક)ને હુકમ કર્યો છે. તેમજ ટ્રેપ કે ડિકોયના કેસમાં પકડાયેલા આરોપીએ વસાવેલી અપ્રમાણસર મિલ્કતોની ખુલ્લી તપાસ કરવા જણાવ્યું છે.
વધુમાં ઉમેર્યું છે કે, લાંચ લેતાં આરોપી પકડાય તો તેનો વોઈસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા નોટિસ આપવી અને ડિફોલ્ટ બેઈલના કેસમાં મદદનીશ નિયામકે તપાસ સંભાળી લેવી. તેમજ ટ્રેપમાં પકડાયેલ આરોપી સિવાયના અન્ય અધિકારી કે કર્મચારીની બદલી અંગેની ભલામણ કરવા પણ કહ્યું છે. જયારે જિલ્લા લાંચા રુશ્ર્વત વિરોધી અને તકેદારી સમિતિની રચના કરવા પણ આદેશ કરાયો છે. એસીબીમાં દાખલ થતા યુનાઓમાં ફરિયાદીને ટ્રેપ મનીની રકમ પણ તાત્કાલકિ ચૂકવવા માટે કહેવાયું છે.
ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા કોઇ સરકારી બાબુને લાંચ લેતાં પકડવામાં આવે છે. ત્યારે ઘણીવાર તેના વતનના ઘરે સર્ચ કરવામાં આવતું નથી. કોઇ આરોપી આગોતરા જામીન મેળવી લે અથવા કોર્ટમાંથી વહેલી તકે છુટી જાય તો તેના જામીન રદ કરાવવા માટે ઉપલી કોર્ટમાં પણ ભાગ્યે જ અપીલ કરવામાં આવે છે. ત્યારે એસીબીના વડાએ આ બધી બાબતોનું ચુસ્તપણે અમલ થાય તે માટે મદદનીશ નિયામકોને જવાબદારી સોંપી દીધી છે. ડિકોઈ ટ્રેપની કાર્યવાહી નહીં થતા લાલઘૂમ
એસીબીને એવી પણ સત્તા અપાઈ કે રાજય કે કેન્દ્ર સરકારના કોઇ વિભાગમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠતી હોય તો લાંચિયા બાબુને પકડવા જાતે જ ફરિયાદીને ઉભી કરી ડિકોઈ ટ્રેપ કરી શકે છે. પરંતુ માર્ચ -2018માં પાદરાના મુજપુર ચેક પોસ્ટ પર ડિકોઈ ટ્રેપ કરી જીઆરડીના જવાનો પકડ્યા બાદ એસીબી દ્વારા ફરી કોઇ આવી કાર્યવાહી થઇ નથી. મહત્વની વાત એ છે કે આ કેસમાં પાદરા પોલીસના જે તે વખતના વહીવટદાર અને હપ્તામાંથી ભાગબટાઈ કરતા પોલીસ અધિકારીઓ સુધી એસીબીની તપાસ પહોંચી ન હતી.