સબરીમાલા મંદિરનાં દ્વાર ખૂલ્યા: ભારે તંગદિલીFebruary 12, 2019

સુપ્રીમના ચુકાદા બાદ સ્થાનિકોના ભારે વિરોધનાં કારણે સલામતીનો પૂરતો બંદોબસ્ત તિરૂવનતંપુરમ તા,12
કેરળનું બહુચર્ચિત પ્રાચીન સબરીમાલા મંદિરના દ્વાર મંગળવારે ફરી વખત પાંચ દિવસ માટે ખુલ્લા મૂકવામાં આવશે. સદીઓથી સબરીમાલા મંદિરમાં માસિકધર્મના વયજૂથની સ્ત્રીઓના મંદિર પ્રવેશ નિષેધને ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા તમામ વયની મહિલાઓને મંદિરપ્રવેશની અનુમતી આપવામાં આવી હતી જે અંગે કેરળમાં ભારે સામાજિક, રાજકીય વિરોધ ઊઠ્યા હતા. આવી પરિસ્થિતિમાં ફરીવાર ભગવાન અય્યપ્પાના દર્શન દ્વાર ખુલી રહ્યા છે ત્યારે આવનારા પાંચ દિવસ તરફ સૌની નજર હોય એ સ્વાભાવિક છે. એક પ્રકારની અપેક્ષા સાથે ચોક્કસ તંગદિલી પ્રવર્તી રહી છે.
મંદિર શ્રાઈન બોર્ડે જણાવ્યા મુજબ 17 ફેબ્રુઆરી સુધી મંદિર દર્શનાર્થે ખૂલ્લું મુકાશે. મંદિરમાં કળશ અભિષેક, શસ્ત્ર કળશમ, લક્ષર્ચના જેવી શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરવામાં આવશે. મંદિરને વડા પૂજારી વસુદેવન નામપુથિરીજી ખૂલ્લુ મૂકશે
પૂજા સમયે તંત્રી કેદરરુ રાજવરુ પણ ઉપસ્થિત રહેશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ દેખાવો યોજી રહેલા આરએસએસ, ભાજપ, કોંગ્રેસ તથા સ્થાનિક રહેવાસીઓને ધ્યાનમાં રાખી મંદિર ફરતે સલામતીનો પૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
મંદિર નજીકના નીલાકલથી સનિધામ સુધીના વિસ્તારોમાં તકેદારીના પૂરા પગલાં લેવાયા છે. નીલાકલથી પામ્બા તથા શનિધામ ખાતે 12 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા પછી દર્શનાર્થી અને પત્રકારોને જવા દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટે આપેલી તમામ મહિલાઓને મંદિર પ્રવેશની અનુમતિના ઐતિહાસિક ચુકાદા બાદ પણ લોકવિરોધને કારણે ભગવાન અય્યપ્પાના દર્શનનો પ્રયાસ કરનાર મહિલાઓ નિષ્ફળ ગઈ હતી.
--------