ભાજપના ‘આયારામ’ અગ્રણીની વિધાનસભાને ઘેરાવની ચીમકી

 ગુજરાત સરકારે દુષ્કર્મ કેસમાં પગલાં લેવા માટે આપેલી ખાતરી હજુ પાળી નથી : ચેતન ઠાકોર
અમદાવાદ તા,12
રાજ્યમાં પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનને તોડી પાડવા માટે આ બંને સંગઠનોના નેતાઓને કેસરીયા ખેસ પહેરાવનારા ભાજપને હવે આ જ નેતાઓ કનડી રહ્યા છે. પાસના પૂર્વ નેતા રેશ્મા પટેલે છેલ્લા ઘણા સમયથી ભાજપ સામે મોરચો ખોલ્યો છે જ્યારે હવે ઠાકોર સેનાના ચેતન ઠાકોરે પણ ભાજપે છેતર્યા હોવાની રાવ કરીને આંદોલનની ચીમકી આપી છે.
પાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ બાદ હવે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ચેતન ઠાકોરે ઠાકોર સમાજના લોકો પર થયેલા કેસ તેમ જ ઢુંઢર ગામ ખાતે 14 માસની
બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ન્યાય નહીં મળે તો એકતા યાત્રા કાઢવાની અને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચેતન ઠાકોર ચૂંટણી સમયે અલ્પેશથી અલગ થઈને ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં રહીને પક્ષ સામે જ બંડ પોકારનાર ચેતન ઠાકોરનું કહેવું છ, કે તે ઠાકોર સમાજના ભલા માટે ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં જોડાયો ત્યારે સરકારે ઢુંઢરની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ત્રણ મહિનામાં પગલાં લેવાની ખતારી આપી હતી, પરંતુ સરકારે તેનું કોઈ જ વચન પાળ્યું નથી. ઠાકોર સમાજના લોકો સામે કરાયેલા પોલીસ કેસ પરત નહીં ખેંચાયા તો અમે લોકો હિંમતનગરથી ન્યાયયાત્રા કાઢીશું. આ યાત્રા ગાંધીનગર સુધી જશે. ગાંધીનગર ન્યાયયાત્રા પહોંચે ત્યાં સુધી ન્યાય નહીં મળે તો બજેટ સત્ર વખતે અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું. પછી ઠાકોર સમાજ જોશે કે કયો રાજનેતા દીકરીને ન્યાય અપાવ્યા વગર વિધાનસભામાં ઘૂસી શકે છે, એવું તેમણે જણાવ્યું હતું.