EPFO વ્યાજદર જાળવી રાખશે

  • EPFO વ્યાજદર જાળવી રાખશે

નવી દિલ્હી તા,12
નિવૃત્તિ ભંડોળ સંસ્થા ઍમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) તેના છ કરોડ કરતા પણ વધુ ગા્રહકો માટે વર્ષ 2018-19ના વર્ષ માટે 8.55 ટકાનો વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા હોવાનું ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
ચાલુ નાણાંકીય વર્ષ માટેનો પ્રસ્તાવિત વ્યાજદર ઇપીએફના ટ્રસ્ટીઓની 21 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકમાં ચર્ચાવિચારણા માટે આવે એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં
રાખીને વર્ષ 2017-18નો 8.55 ટકાનો વ્યાજદર ચાલુ નાણાંકીય વર્ષમાં પણ જાળવી રાખવામાં આવે એવી શક્યતા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ માટે ઇપીએફઓની આવકનું કોષ્ટક પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાંકીય વર્ષ માટે ઇપીએફઓનો વ્યાજદર 8.55 ટકાથી વધારવામાં આવેલી વહેતી થયેલી અટકળોને પણ જોકે તેમણે સંપૂર્ણપણે નકારી કાઢી નહોતી.
શ્રમ પ્રધાનના વડપણ હેઠળની ઇપીએફઓની ટોચની સંસ્થા ધ સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીસ-સીબીટી નાણાંકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પરના વ્યાજદર અંગેનો નિર્ણય લેતી ટોચની સંસ્થા છે. એકવાર સીબીટી દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ માત્ર નાણા ખાતાની જ સંમતિની જરૂર રહે છે. નાણાં ખાતાની મંજૂરી બાદ વ્યાજ ગ્રાહકોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.