જીવનમાં રોજ વેલેન્ટાઈન ડે મનાવવા માટે ફોલોવ કરો આ 7 વસ્તુઓFebruary 13, 2019

પાર્થ અને પ્રિશા બંનેએ લાંબા સમયની મિત્રતા બાદ લગ્ન કર્યા હતા. બંનેને પોતપોતાની સફળ કેરિયર હતી પરંતુ સફળ કેરિયરની જેમ તેઓએ જીવનમાં પણ સફળતા મેળવી છે. લગ્ન બાદ પણ તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, વિશ્ર્વાસ, આદર ઓછો થયો નથી અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન-ડે આવે ત્યારે તેઓ સાચા અર્થમાં સ્નેહના સંબંધની ઉજવણી કરે છે.
કોઇપણ સંબંધ એક તરફી કયારેય ટકતો નથી. બંને પક્ષે કાળજી એકબીજાની મદદ, વિપરીત સંજોગોમાં સમજણ જરૂરી છે. એકબીજાના પરિવારને માન-સન્માન આપવું એ સંબંધનું અગત્યનું અંગ છે. આજે લગ્ન કે મિત્રતામાં પણ આ કારણને લઇને જ ઝઘડા થતા જોવા મળે છે. અત્યારે વેલેન્ટાઇન-ડેના સાત દિવસના જુદા જુદા ડે મનાવવા સાથે જો આ સાત વાતોનો ખ્યાલ રાખવામાં આવે તો જીવનનો પ્રત્યેક દિવસ ‘વેલેન્ટાઇન ડે’ બની રહે.
1. પ્રેમ, 2. વિશ્ર્વાસ, 3. સંવાદ, 4. સમજણ, 5. સન્માન, 6. ત્યાગ, 7. કાળજી.
1. પ્રેમ : જ્યારે પ્રેમ હોય છે ત્યારે જ સંબંધની શરૂઆત થાય છે પરંતુ આ પ્રેમ કાયમ માટે તાજોમાજો રહે તે જરૂરી છે. નાની વાતમાં એકબીજાની પ્રત્યે લાગણી વ્યક્ત કરવી તેમજ સામેની વ્યક્તિને તેનો અહેસાસ કરાવવો ખૂબ જરૂરી છે અને તો જ એકબીજા પ્રત્યે જે સ્નેહ લાગણી છે તે ટકી રહેશે.
2. વિશ્ર્વાસ : વિશ્ર્વાસ એ કોઇપણ સંબંધનો શ્ર્વાસ છે. નાની-નાની વાતોમાં એકબીજા પર વિશ્ર્વાસ કરવો અને પામવો જરૂરી છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં પતિ-પત્ની પણ પોતાના મોબાઇલ એકબીજાથી દૂર રાખે છે ત્યારે વિશ્ર્વાસ એ કોઇપણ સંબંધમાં મહત્ત્વનું પરિબળ છે. જો અતૂટ વિશ્ર્વાસ હશે તો કોઇપણ વાત સંબંધને અસર કરશે નહીં.
3. સંવાદ : સંવાદ દ્વારા જ કોઇપણ સંબંધને પોષણ મળી રહે છે. પોતાની વાત, પોતાની લાગણી, ફરિયાદ બધું જ નિખાલસતાપૂર્વક જો એકબીજાને જણાવી દેવામાં આવે તો કેટલાય પ્રશ્ર્નો ઉભા થતા અટકી જાય. અનેક ઝઘડા અને સંબંધોમાં મૂળમાં વિસંવાદ કે પછી અવ્યક્ત થયેલ વાતો હોય છે.
4. સમજણ : સમજણ દ્વારા અનેક સંબંધ તુટતા કે બગડતા અટકે છે. કોઇપણ પરિસ્થિતિમાં જો સમજણથી કામ લેવામાં આવે તો સ્નેહની દોરીને તૂટતી બચાવી શકાય છે. ઘણી વખત સામેની વ્યક્તિની પરિસ્થિતિ, સંજોગો જો સમજી લેવામાં આવે તો સંબંધોમાં ચોક્કસ સુગંધ ભળે છે.
5. સન્માન : સંબંધોમાં એકબીજાનું માન જળવાય એ પહેલી શરત હોય છે. એકબીજાનું જ નહીં પરંતુ એકબીજાને સંબંધિત દરેક વ્યક્તિ, પરિસ્થિતિનું માન જળવાવું જોઇએ. આજે લગ્ન સંબંધમાં પણ એના કારણે જ સમસ્યા સર્જાય છે કે એકબીજાના માતા-પિતા, ભાઇ-બહેન, મિત્રોનું મહત્ત્વ ઓછું આંકવામાં આવે છે અને પોતાના સંબંધોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
6. ત્યાગ : ત્યાગ એટલે કોઇ મોટો ત્યાગ કરવાનો નથી પરંતુ નાની નાની વાતોમાં પોતાની જીદનો ત્યાગ કરવાનો છે. લેટ ગો કરવાનું છે અને એકબીજાની ભૂલને વિશાળ હૃદય રાખી માફ કરી દઇએ. આ નાનકડો ત્યાગ સંબંધને મજબૂત બનાવવામાં મોટો ભાગ ભજવે છે. કેટલાય સંબંધોમાં આપણે જોયું છે કે નાની અમસ્તી વાતમાં જતુ કરવાથી કિંમતી સંબંધ બચી જાય છે.
7. કાળજી : એકબીજાની કાળજી રાખવાથી સંબંધોની માવજત થાય છે. કાળજી એટલે ફક્ત બિમારી કે શારીરિક રીતે જ નહીં પરંતુ ભાવનાત્મક
કાળજી સંબંધોના છોડમાં નવા
પ્રાણ પૂરે છે. કેરિયર સંબંધી હોય, ઓફીસનું કામ હોય કે પછી પરીવારજનોના પ્રશ્ર્નો હોય એકબીજાને ભાવનાત્મક સપોર્ટ એકબીજાની હિંમત વધારે છે તેમજ જીવન જીવવાનું નવું જોમ પૂરુ પાડે છે.
આમ વેલેન્ટાઇન-ડે પહેલા સાત દિવસ ઉજવવા સાથે જો આ સાત વાતોનો ખ્યાલ રાખવામાં આવે તો ચોક્કસ વેલેન્ટાઇન-ડે ની ઉજવણી સાર્થક બનશે. વેલેન્ટાઇન વીકમાં આ સાત વાતનો ખ્યાલ રાખીને ખરા અર્થમાં વેલેન્ટાઇન-ડે ઉજવીએ; કેટલીક નાની નાની
વાતો સંબંધના છોડમાં નવા પ્રાણ પૂરે છે