યુપી, ઉત્તરાખંડમાં સરકારની નજર હેઠળ લઠ્ઠાનો કારોબાર: પ્રિયંકાFebruary 11, 2019

 યોગીએ સ.પા.ના નેતાઓની ગણાવી સંડોવણી, સ.પા.ના અખિલેશનું ભાજપ પર નિશાન
નવી દિલ્હી તા,11
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંના લઠ્ઠાકાંડમાં 100થી વધુ લોકોના મૃત્યુ થતાં રાજકીય પક્ષોએ સામસામા આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લઠ્ઠાકાંડના દોષી લોકો સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારની નિગરાની હેઠળ લઠ્ઠાનો એટલો મોટો વ્યાપાર ચાલે છે કે તેની કલ્પના પણ ન થઇ શકે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ભૂતકાળમાં થયેલા લઠ્ઠાકાંડમાં સમાજવાદી પક્ષના નેતાઓ સંડોવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. સત્તાવારપણે રવિવાર સાંજ સુધીમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂ 72 જણનો જીવ લઇ ચૂક્યો છે અને આ મામલે બે જણની ધરપકડ કરાઇ છે.
સમાજવાદી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે લઠ્ઠાકાંડ બદલ રાજ્યમાંની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકાર પર દોષારોપણ કર્યું હતું.
બહુજન સમાજ પક્ષનાં વડાં માયાવતીએ આ પ્રકરણમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી કરી હતી.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોની મીઠી નજર હેઠળ લઠ્ઠાનો આટલો મોટો વ્યાપાર ચાલતો હોવાની વાત ચોંકાવનારી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાંના કોંગ્રેસનાં ઇન-ચાર્જ પ્રિયંકા ગાંધીએ લઠ્ઠાકાંડમાં મરનારા લોકોના પરિવારના સભ્યોને યોગ્ય વળતર અને સરકારી નોકરી આપવાની પણ માગણી કરી હતી.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લઠ્ઠાનો આ વ્યાપાર ઉત્તરાખંડથી થતો હોવાથી મેં ત્યાંના મુખ્ય પ્રધાનની સાથે આ સંબંધમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ આવા લઠ્ઠાકાંડમાં સમાજવાદી પક્ષના નેતાઓ સંડોવાયેલા હતા અને આ વખતે પણ તેઓની સંડોવણીને નકારી ન શકાય. યુ.પી.માં સાડી, દિલ્હીમાં જીન્સ પહેરે છે પ્રિયંકા
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી વાડ્રા ગામડામાં સાડી અને સિંદુર લગાવીને આવે છે, પણ દિલ્હીમાં તો ફક્ત જીન્સ અને ટોપ પહેરીને ફરતી હોવાની વાત ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ કહી હતી. હરીશે આ વાત ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કહી હતી. પ્રિયંકાને ઉત્તર પ્રદેશના પૂર્વના મહામંત્રી બનાવાયા બાદ ભાજપના નેતાઓ આ રીતે એની ટીકા અને ટીખળ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં બિહારના પ્રધાન વિનોદનારાયણ જહાંએ જણાવ્યું હતું કે પ્રિયંકા સુંદર છે, પણ એની પાસે રાજકીય ટેલેન્ટ કે ઉપલબ્ધિ નથી. સુંદર ચહેરા થકી મત મેળવી ન શકાય. આ સિવાય, એ રોબર્ટ વાડ્રાની પત્ની છે કે જેના પર જમીન કૌભાંડ અને બીજા અનેક ગોટાળાના આરોપ મૂકાયા છે. ભાજપના સાંસદ સુબ્રમણિયન સ્વામીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા પ્રિયંકા જાહેર જીવન માટે અયોગ્ય છે. ભાજપના અન્ય નેતા વિજયવર્ગિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ચોકેલટ જેવા ચહેરાના દમ પર ચૂંટણી જીતવા માગે છે. કોઇ કરીના કપૂરનું નામ સૂચવે છે, તો કોઇ સલમાન ખાનનું. હવે તેઓ પ્રિયંકા ગાંધીને લઇને આવ્યા છે.