જે મારા વિસ્તારમાં જાતિવાદની વાત કરે એને મારીશ: ગડકરી

 સમાજમાં આર્થિક - સામાજિક સમાનતા જરૂરી, જાતિવાદને કોઈ સ્થાન નથી: કેન્દ્રીય મંત્રી
પુણે તા,11
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો તેમના ક્ષેત્રમાં કોઈ જાતિવાદની વાત કરે તો તેની ધોલાઈ થઈ જશે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જાતિ અંગે વાત કરશે તો હું તેને માર મારીશ. પિંપરી ચિંચવાડ વિસ્તારમાં પુનરોત્થાન સમરસતા ગુરુકુલમના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધારે સાથ લાવવા જોઈએ. જેમાં જાતિવાદ અને સાંપ્રદાયકિતાની કોઈ જગ્યા ન હોવી જોઈએ. ગડકરીએ કહ્યું, અમે જાતિવાદમાં વિશ્વાસ નથી કરતા. મને નથી ખબર કે તમારે ત્યાં શું છે, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઈ જગ્યા નથી કેમકે મેં દરેકને ચેતવણી આપી છે કે જો કોઈ જાતિની વાત કરશે તો હું તેને માર મારીશ. નોંધનીય છે કે ગડકરી હાલમાં જ પોતાના કેટલાંક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે.