સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું મોજું યથાવત્; ગિરનાર 4.5 ડિગ્રી

 નલિયા 7.4, જૂનાગઢ 9.5, ભાવનગર 11.4, રાજકોટ 11.5, પોરબંદર 11.8 ડિગ્રી તાપમાન : પવનના સુસવાટાથી લોકો ઘરમાં પૂરાયા
રાજકોટ તા,11
ઉતર ભારતમાં અવિરત હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. કચ્છ અને જૂનાગઢ જિલ્લામાં ઠંડીએ ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ તોડ્યો હોય તેમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા લોકો ઠંડીમાં ઠીંગરાઈ ગયા છે. ત્યારે આવતિકાલથી ઠંડીમાં ઘટાડો થવાની હવમાન વિભાગે આગાહી કરી છે.
ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે પણ રાજ્યમાં સૌથી ઠંડુ નગર નલિયા બન્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 7.4 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે ભૂજમાં 11.7, કંડલામાં 10.1 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજકોટમાં ગઈકાલ કરતા આજે દોઢ ડીગ્રી પારો ઉંચે ચડ્યો હતો અને પવનની ગતિમાં પણ આંશિક ઘટાડો નોંધાયો હતો. આજે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 11.5 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા રહેવા પામેલ અને 8 કિ.મી.ની ઝડપે પ્રતિકલાક પવન ફુંકાયો હતો. દરિયાકાંઠાના શહેર ભાજપવનર અને પોરબંદરમાં તાપમાનનો પારો 11 ડીગ્રીએ સ્થિર થયો હતો. ભાવનગરમાં 11.4, પોરબંદરમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે વેરાવળમાં 15.9, દ્વારકામાં 15.4, ઓખામાં 19.2, સુરેન્દ્રનગરમાં 12.5, મહુવામાં 10.5, દિવમાં 11 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. છેલ્લા એક સપ્તાહથી કાતિલ પડતી ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે આવતિકાલથી ઠંડી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ ઉપરાંત ડીસામાં 8.6, વલસાડમાં 9.6, વડોદરા 10.8, ગાંધીનગરમાં 10.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.
જૂનાગઢમાં ફડી હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. જુનાગઢમાં આજે મહતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ તથા લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યુ છે અને પવનની ઝડપ 3.7 કી.મી. રહેવા પામી છે. જ્યારે ગિરનાર ઉપર 4.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.