ત્રણ દિવસ ફ્લેટમાં પડ્યો રહ્યો અભિનેતાનો મૃતદેહFebruary 11, 2019

મુંબઇ તા.11
બોલીવુડમાં 80થી 90નાં દશકમાં અમિતાભ બચ્ચન, ગોવિંદા, સંજય દત્ત અને સની દેઓલની ફિલ્મોનાં વિલન મહેશ આનંદની મોતની પ્રાથમિક તપાસમાં તેમની મોત કઇ રીતે થઇ તેનો ખુલાસો થયો છે. મહેશ આનંદ પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. 57 વર્ષનાં આ એક્ટરનો મૃતદેહ યારી રોડ પર આવેલા તેમનાં ઘરમાંથી મળી આવ્યો હતો. મહેશની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ લાવવામાં આવી હતી.
કેટલાક રીપોર્ટ્સ પ્રમાણે મહેશનું નિધન 3 દિવસ પહેલા જ થઇ ગયું હતુ. પડોસીઓએ ઘરની અંદરથી વિચિત્ર ગંધ આવવાની ફરિયાદ પોલીસને કરી હતી, જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો તો અંદર મહેશની લાશ મળી આવી હતી. મહેશ આનંદ મુંબઈનાં વર્સોવામાં એકલા રહેતા હતા. મહેશનાં મોતનું પહેલું કારણ કાર્ડિએક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે મહેશનાં નિધનની પુષ્ટિ માટે તેમની એક્સ પત્નીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને આ વિશે કોઇ જ માહિતી નથી. વર્ષ 2002 પછી અમારી વચ્ચે કોઇપણ વાતચીત નથી થઇ. ઉલ્લેખનીય છે કે મહેશ આનંદે ઉષા બચાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2 વર્ષ પછી બંનેનાં છૂટાછેડા થઇ ગયા હતા. મહેશ આનંદે શહેંશાહ, સ્વર્ગ, થાનેદાર, વિશ્વાત્મા, ગુમરાહ, ખુદ્દાર, બેતાજ બાદશાહ, વિજેતા અને કુરૂક્ષેત્ર જેવી હિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને ઓળખ બનાવી હતી. મહેશ 80 અને 90નાં દશકમાં વિલન તરીકે જાણીતા હતા.