અમદાવાદમાં AHP-VHPના કાર્યકરો વચ્ચે મારામારી, તંગદિલીFebruary 09, 2019

પાલડીમાં આવેલ વણિકર ભવનના કાર્યાલયમાં કબજો જમાવવા વિહિપનો પ્રયાસ: ભવનમાં ઘૂસી તોડફોડ કરાઈ રાજકોટ તા,9
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે પાલડીમાં આવેલ વણિકર ભવનના કબ્જાને લઈ માથાકૂટ અને મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતો. પરિષદના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મામલાને શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પાલડી સ્થિત વણિકર ભવનમાં ડો. પ્રવીણ તોગડિયાના એએચપી (આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ)એ પાલડી સ્થિત વણિકર ભવન કાર્યાલયનો ખોટી રીતે કબજો કરાયો હોવાની વીએચપીએ પોલીસને જાણ કરી છે. શનિવારે કાર્યાલય પર કાયદેસર કબ્જાને લઈને વીએચપી અને એએચપીના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. બન્ને સંગઠનના કાર્યકરો કાર્યાલયના ભોગવટાના દસ્તાવેજો લઈને આમને-સામને થયા હતા. વીએચપી તેમજ એએચપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. એચપીએ આક્ષેપ કર્યો કે વીએચપીના કાર્યકરોએ બળપૂર્વક અંદર ઘૂસવા પ્રસાય કર્યો હતો અને કાર્યાલયમાં તોડફોડ કરી છે. આરએસએસ દ્વારા એએચપી ઓફીસ કબજે કરાઈ રહી હોવાનો એએચપીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ કાર્યાલય વણિકર ભવન મહાલક્ષ્મી સોસાયટી પાલડીમાં આવેલું છે.
વીએચપી અને આરએસએસના અમુક કાર્યકર્તાઓ કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને કબજો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવો આક્ષેપ એએચપી દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે એએચપીના સ્થાપક ડો. પ્રવીણ તોડગિયાએ જણાવ્યું હતું કે જે તે વખતે વણિકર ભવન કાર્યાલયનો કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે જેથી એએચપીનો આ કાર્યાલય પર અધિકાર છે. પરંતુ વડાપ્રધાન મોદીના ઈશારે એએચપી કાર્યાલયના તાળા તોડવામાં આવ્યા છે અને અંદર લૂંટ થઈ હોવાની આશંકા છે. કેટલાક એએચપી કાર્યકરોને પણ ઈજા પહોંચાડવામાં આવી છે.
બીજીતરફ વીએચપીએ પણ આ કાર્યાલયના અસલ દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે. બન્ને સંગઠના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા આસપાસમાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વણિકર ભવનનો કબ્જો જે ટ્રસ્ટ પાસે છે તેમાં કુલ 15 ટ્રસ્ટીઓ છે.
વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઈ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરનાર ડો. પ્રવીણ તોગડીઆ સહિત 5 ટ્રસ્ટીઓ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના 10 ટ્રસ્ટીઓ હોવાનું કહેવાય છે. આમ વણિકર ભવનનો કબજો એએચપી પાસેથી મેળવવા વિએચપીએ પ્રયાસો શરૂ કરતા બન્ને સંગઠનોના કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા.