2000 ગુર્જરો રેલવે ટ્રેક પર, 14 ટ્રેનો રદFebruary 09, 2019

 રાજ્ય સરકારે ત્રણ મંત્રીઓની ટીમ બનાવી શરૂ કરેલી વાટાઘાટો
જયપુર તા,9
અનામતની માંગને લઇને શુક્રવારે ગુર્જર સમુદાયે ફરીથી પોતાનું આંદોલન શરૂ કર્યુ છે. આંદોલનકારી દિલ્હી-મુંબઇ રેલમાર્ગ પર બેસી ગયા છે, જેમાં 7 ટ્રેન રદ થઇ છે અને કુલ 21 ટ્રેનો પ્રભાવિત થઇ છે. ગુર્જર સમુદાય રાજસ્થાનમાં નોકરી અને એડમિશનમાં 5 ટકા અનામતની માગણી કરી રહ્યું છે. સવાઇ માધોપુરના મકસુદનપુરામાં આંદોલનકારી રેલવે ટ્રેક પર બેસી ગયા છે. આંદોલનકારીઓએ કહ્યું કે, જ્યારે દેશમાં સારા વડાપ્રધાન અને પ્રદેશમાં મુખ્યમંત્રી છે, તો તેઓને આગ્રહ છે કે, તેઓ ગુર્જર સમુદાયની માંગ સાંભળે કારણ કે, અનામત આપવી કોઇ મોટું કામ નથી.
અનામતની માંગને લઇને રેલવે પાટા પર બેઠેલા વૃદ્ધો સાથે વાતચીત માટે રાજસ્થાન સરકારે ત્રણ મંત્રીઓની એક ટીમ બનાવી છે. ટીમના નેતા આજે શનિવારે ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલા સાથે વાતચીત કરશે. આ ટીમમાં ટૂરિઝમ મિનિસ્ટર વિશ્વેન્દ્ર સિંહ, સમાજ કલ્યાણ મંત્રી ભવંર લાલ મેઘવાલ અને રઘુ શર્માને સામેલ કરવામાં આવ્યા છે. આઇએએસ અધિકારી નિરજ કે પવનને પણ કર્નલ બેંસલા સાથે વાતચીત માટે મોકલવામાં આવ્યા છે.
શુક્રવારે કર્નલ કિરોડી સિંહ બેંસલાએ કહ્યું કે,
અમે સમુદાય માટે એ પ્રકારે 5 ટકા અનામત
ઇચ્છીએ છીએ, જે પ્રકારે કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામતની જોગવાઇ કરી છે. સરકાર તરફથી અમારી માગણી પર કોઇ પ્રતિક્રિયા મળી નથી રહી. કોઇ હજુ સુધી અમારી સાથે વાતચીત કરવા પણ નથી આવ્યું. તેથી અમારે મજબૂરીમાં આ પગલાં લેવા પડ્યા છે.
આ અગાઉ ગઇકાલે ગુર્જર સંઘર્ષ સમિતિ (જીએસએસ)ના સભ્યોએ એક મહાપંચાયત બોલાવી હતી. ત્યારબાદ જીએસએસના સભ્ય સવાઇ માધોપુરની પાસે મલારના ડુંગર રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને ઘણી ટ્રેન અટકાવી હતી. આ રૂટની પ્રખ્યાત અવધ એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં વિક્ષેપ થયો અને અનેક માલગાડીઓ સવાઇ માધોપુરમાં જ અટકાવી દેવામાં આવી. રિપોર્ટ અનુસાર, અંદાજિત 2000 જેટલાં આંદોલનકારી દિલ્હી-મુંબઇ, મલારના અને નિમોદા રેલવે સ્ટેશનની વચ્ચે પાટા પર બેઠેલા છે. જો કે, કોઇ પણ સ્થળેથી ગુર્જર આંદોલનને લઇને હિંસાના સમાચાર આવ્યા નથી. ટ્રેક જામ હોવાના કારણે અત્યાર સુધી 21 ટ્રેનો પ્રભાવિત થઇ છે જેમાંથી 14 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.