MLAને MPની ટિકિટ નહીં, કોંગ્રેસનો નિર્ણય

  • MLAને MPની ટિકિટ નહીં, કોંગ્રેસનો નિર્ણય

 બે-ત્રણ વખત લોકસભા હારેલા ઉમેદવારોને પણ ટિકિટ નહીં મળે
અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે હવે રાહુલ ગાંધી સક્રિય થઇ ગયા છે. રાહુલે પ્રભારી સાતવની ધ્યાન બહાર પણ 3 ખાનગી સરવે કરાવ્યા છે. ખાનગી નેતાઓ આ બાબતે અંધારામાં રહ્યાં છે. રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ હાલમાં 11 જિલ્લાઓમાં મજબૂત છે. ભાજપને આ વર્ષે ફાંફા પડે તેવી સંભાવના વચ્ચે રાહુલના એક નિર્ણયને પગલે 15થી વધારે ધારાસભ્યોના સપનાં ચકના ચૂર થઈ જવાની સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે સાંસદો માટે નવા ચહેરા આવશે એ નક્કી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહી અપાય તેવો નિર્ણય લેવાયો છે.
દિલ્હીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મહાસચિવો અને પ્રભારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદને પણ લોકસભાની ટિકિટ નહી આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જે ધારાસભ્યો લોકસભાની ટિકિટને લઈને દિલ્હી સુધી દોડી જતા હતા તેમને મોટો ઝટકો લાગ્યો છે.
આ ઉપરાંત લોકસભાની બેથીત્રણ વખત ચૂંટણી હારેલા ઉમેદવારોને પણ ટિકિટ નહીં આપવાનો કોંગ્રેસે નિર્ણય કરતા આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં નવા ચહેરા ધ્ેખાય તેવી પૂરી શકયતા છે. ગુજરાતમાં 15 ધારાસભ્યો દિલ્હીના આંટાફેરા કરી રહ્યાં છે. જેમાં અલ્પેશ, સોમભાઇ પટેલ, પુંજાભાઇ વંશ સહિત અમદાવાદના ધારાસભ્યોને લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એકમાત્ર ધોરાજીના લલીત વસોયાને જ પોરબંદર લોકસભા લડવાની મંજૂરી અપાઇ હોવાનું જાણવા મળે છે. હવે રાહુલ ગાંધીના આ નિર્ણયને પગલે ઘણા કોંગ્રેસીઓના સપનાં ચકનાચૂર થઈ જશે. આ બાબતે અંદરો અંદર વિખવાદ પણ શરૂ થયા તેવી સંભાવના છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ડામવા માટે થોડા દિવસ પહેલાં 43 નેતાઓની કમિટીઓ બનાવાઈ છે. જેમાં તમામનો સમાવેશ કરાયો છે. રાહુલના આ આદેશને પગલે કાંગ્રેસમાં કકળાટ થાય તેવી પૂરી સંભાવના છે.