ખેત પેદાશોનું સીધુ ગ્રાહકોને જ વેચાણ; ભાવનગરમાં વેચાણ કેન્દ્રો શરૂ કરતા કિસાનોFebruary 09, 2019

ભાવનગર તા.8
ભાવનગર જિલ્લાનાં 30 ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમાંથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.
આ અંગે ખેડૂતપુત્ર ભરતભાઈ જાંબુચાએ જણાવ્યું કે, અમે માર્કેટિંગ યાર્ડમાં અમારા ખેતીનાં પાક વેચવા જતા હતા. ત્યારે વચેટીયાઓનાં કમિશન, મંજૂરી અને અન્ય ખર્ચાઓ બાદ કરતા અને હિસાબ માંડીએ તો ખબર પડતી કે મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું નથી. અમે 30 ગામનાં ખેડૂતોને ભેગા થયા અને તેઓની ખેત પેદાશ સીધી ભાવનગરમાં આવી વેચાણ કરવાનું નકકી કર્યુ છે.
શરૂઆતમાં ભાવનગરનાં વિજ્ઞાન નગરી પાસે અને બાદમાં અન્ય સ્થળે પાથરણા પાથરીને અમારી ખેત પેદાશ વેચી હતી. લોકો તરફથી ઓર્ગેનિક શાકભાજી, અનાજ અંગે સારો પ્રતિસાદ સાંપડતા અમે પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. 30 ગામનાં ખેડૂતોનાં આ અભિયાનને જિલ્લાના અન્ય ગામોમાં પણ પ્રસરાવવાના પ્રયાસો કરવામાં આવનાર છે. વધુમાં આગામી દિવસોમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ, માર્ગદર્શન અને કઈ રીતે વધુ પાક લઈ શકાય તેના વિશે માહિતગાર પણ કરવામાં આવશે. અમારો હેતુ ખેડૂતોને સારા ભાવ અને ગ્રાહકને સાત્વિક વસ્તુઓ મળે તેના માટેનો છે.
ઘણાં વર્ષોથી અમે કમિશન એજન્ટો ચેઈન તોડવાનું અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરીયે છીએ. લોકોને સારી ગુણવતા, કેમિકલ રહિત અને શુદ્ધ ખેતીની પેદાશો મળે તે માટે હવે અમે એક દુકાન બનાવી રહ્યાં છીએ. 50 ખેડૂતોનું એક જૂથ જૈવિક ખેતી કરી રહ્યું છે. તે ભાવનગરમાં શાકભાજી, ફળો, અનાજ, વગેરે વેચી રહ્યાં છે. જયાં તે પોતાનો ધંધો કરી શકે છે.