જૂનાગઢ મહાપાલિકાનું કર બોજ વગરનું બજેટ મંજૂરFebruary 09, 2019

 કમિશનરે સુચવેલા મિલકત, ખુલ્લા પ્લોટ અને પાણીવેરાનો વધારો રદ
 સ્ટેન્ડિંગ કમિટીએ 289.14 કરોડના બજેટને મંજૂર કરી બોર્ડમાં મોકલ્યું જૂનાગઢ તા.8
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ કમિશ્ર્નરે કર સહિતના સુચવેલા વધારામાં અનેક સુધારા કરી ચુંટણી લક્ષી બજેટ બનાવી કુલ અંદાજીત રૂા.ર89.14 કરોડનું વર્ષાન્તે રૂા.17.70 લાખની પુરાંતવાળુ મંજૂર કર્યું હતું.
આજે જૂનાગઢ મનપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વર્ષ ર019-ર0નું બજેટ અંગે ચર્ચા કરી અનેક સુધારાઓ કરી અને કમિશ્ર્નર દ્વારા મિલકત, ખુલ્લા પ્લોટ, પાણી તથા અન્ય વેરામાં સુચવેલા ધરખમ વધારાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો.
સ્થાયી સમિતિએ આજે કમિશ્ર્નર દ્વારા કરાયેલી દરખાસ્તમાં ખુલ્લા પ્લોટ પર પ્રતિ ચો.મી.ના રૂા.3ને બદલે પ, પાણી ચાર્જમાં 700ને બદલે 1500, રહેણાંક મિલ્કતોમાં હાઉસ ટેક્ષ જે પ્રતિ ચો.મી. રૂા.રર છે. તેના બદલે રૂા.રપ કરવાની દરખાસ્ત કરી હતી. તે નામંજૂર કરી ગત વર્ષે જે કર હતા તે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે બિન રહેણાંક પ્લોટ ઉપર સામાન્ય કરના રપ %ની જોગવાઈ કમિશ્ર્નરે સુચવી હતી. તે સંપૂર્ણ પણે નાબુદ કરવાનો ઐતિહાસીક નિર્ણય સ્થાયી સમિતિએ લીધો હતો. આ ઉપરાંત મિલ્કત ટ્રાન્સફર બાબતે કર વધારો કરવામાં આવેલ નથી. સફાઈ કર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે દીવાબતી કર રૂા.175 યથાવત રખાયો છે.
આ ઉપરાંત જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા બ્યુટીફીકેશન માટે રૂા.રપ કરોડની જોગવાઈ રાખવામાં આવેલ છે. જ્યારે જીઆઈડીસી-1માં જરૂરી પ્રાથમિક સુવિધાઓની અપુર્તિ માટે રૂા.10 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તો શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદાર્પણ કરનારા છાત્રોને શ્રી અબ્દુલ કલામ શિક્ષા એવોર્ડ (ઈનામ) આપી મહાનગરપાલિકા દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ માટે રૂા.5 લાખ ફાળવવામાં આવ્યા છે.
આજના બજેટ અંગે સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ ધુલેશિયાએ પત્રકાર પરિષદમાં આપેલ માહિતી વેળાએ ડે.મેયર ગિરીશ કોટેચા, સ્થાયી સમિતિના સભ્ય પુતિનભાઇ શર્મા, સંજયભાઈ કોરડીયા, હરેશભાઈ પરસાણા સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
જય હિન્દ સાથેની મુલાકાતમાં ચેરમેન નિલેશભાઈ ધુલેશિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાનું આ મારૂ ત્રીજુ બજેટ રજૂ કરતા મને આનંદ છે અને જૂનાગઢનો વિકાસ સર્વાર્ંગી અને દિશા પૂર્ણ રીતે થાય તેવો સ્થાયી સમિતિનો આગ્રહ હતો. ત્યારે જૂનાગઢને સર્વાંગી વિકાસ દર્શાવતું મારા સપનાનું જૂનગઢ કરકસર યુકત શાસન પ્રણાલી તથા વેરા વધારાને બદલે સેવા વધારાના સુત્ર સાથે સ્વચ્છ-સ્વસ્થ અને સલામત જૂનાગઢની અપેક્ષા સાથે રજૂ કર્યું છે. જેને ગિરીવરનગરની જનતા સ્વીકારશે.
જોકે, આજે સ્થાયી સમિતિએ મંજૂર કરેલ બજેટ માત્ર ચુંટણી લક્ષી જ હોય અને ભવિષ્યના કોઈ-સ્વપ્ન વગર માત્ર લોકોને કર સહિત વિકાસના નામે યથાસ્થાને રાખીને બનાવી દેવામાં આવ્યું હોવાનું બજેટ નિષ્ણાંતો અને રાજકીય પંડીતો વર્ણવી રહ્યા છે.