ગીરમાં રેલવે ટ્રેક માટે ઓલિવેટેડ કોરિડોર કેમ નહીં? હાઇકોર્ટનો સવાલFebruary 08, 2019

 સિંહના મૃત્યુ મામલે સરકારને વેધક પ્રશ્ર્ન; હાઇકોર્ટમાં સુનાવણી શરૂ
અમદાવાદ તા.8
ગીરમાં સિંહોના અકુદરતી અને આકસ્મિક મોત અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આજની સુનાવણીમાં અવલોકન નોંધવામાં આવ્યું છે કે સિંહોના સંરક્ષણમાં અવરોધરૃપ બનતી સમસ્યાઓનો પાયાથી અભ્યાસ કરી શકે તેવી ઉચ્ચ સ્તરીય સમિતિની જરૃર છે. જસ્ટિસ એસ. આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.જી. ઉરેઝીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીના કલેક્ટરને નિર્દેશ આપ્યો છે કે આ સમસ્યા સાથે નિસ્બત ધરાવતા તમામ પક્ષો અને લોકોનું ગઠન કરી એક સમિતિ બનાવવામાં આવે. આ સુનાવણીમાં ત્રાહિત વ્યક્તિઓ પાસેથી પણ સૂચનો સ્વીકાર્ય હોવાથી ગીરમાં રેલવે ટ્રેક માટે એલિવેટેડ કોરિડોર બનાવવો જોઈએ તેવું સૂચન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે. આ અંગે વધુ સુનાવણી 27મી ફેબુ્રઆરીના રોજ હાથ ધરાશે.
રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ રજૂઆત કરી હતી કે અસુરક્ષિત કૂવાઓને ઢાંકવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે. ગીર અને ત્યાંની સમસ્યાને સ્થાનિક લોકો વધારે સમજે છે, તેથી સરકાર તેમની સાથે પણ વિમર્શ કરવા માગે છે. રાજ્ય સરકારે અગાઉની સુનાવણીઓમાં કોર્ટ સમક્ષ જે બાંહેધરીઓ આપી હતી તે પૂર્ણ કરવાની કામગીરી હાલ ચાલી
રહી છે.
હાઇકોર્ટે આ તમામ રજૂઆતો ધ્યાને લઈ નોંધ્યુ છે કે ગીરની સમસ્યાના વિચાર-વિમર્શ અને નિવારણ માટે ઉચ્ચસ્તરીય સમિતિની જરૃર છે. જેના ગઠન માટે જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટરને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમિતિમાં વનવિભાગ, વીજપુરવઠા વિભાગ, રેલવે તેમજ ગીર સાથે નિસ્બત ધરાવતા વિભાગો, સંસ્થાઓ અને લોકોનો સમાવેશ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુઓમોટો સુનાવણીમા કોર્ટ ત્રાહિત પક્ષના પણ સૂચનો સ્વીકારી રહી હોવાથી ત્રાહિત પક્ષકાર તરીકે એડવોકેટ આનંદ યાજ્ઞિાકે રજૂઆત કરી હતી કે ગીરમાં સામાન્ય રેલવે ટ્રેક માટે એલિવેટેડ કોરિડોર હોવો જોઈએ. મેટ્રો ટ્રેન અને બુલે ટ્રેન માટે આ પ્રકારના જ એલિવેટેડ કોરિડોર તૈયાર થઇ રહ્યા છે. જેથી રેલવે લાઇનને નુકસાન ન થાય. કાન્હા, કોર્બેટ અને સુંગરવન નેશનલ પાર્કમાં આ પ્રકારના એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત તેમનો આક્ષેપ છે કે ગીરમાં કાયદેસર અને ગેરકાયદે ખનનના કારણે પણ સિંહોને નુકસાન પહોંચી રહ્યું છે. જો કે આ સૂચનને રેલવે વિભાગમાં ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં આવશે તેવી રજૂઆત રેલવે વિભાગના વકીલે
કરી હતી.