બરડા ડુંગરની તળેટીમાં જાંબુવનની ગુફા

 કૃષ્ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો
અમરેલી : સૌરાષ્ટ્રના વિખ્યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઈ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતા એક પછી એક વિશાળ રૂમ જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં પુરાતત્વના અભ્યાસુ પુરાતત્વવિદો માટે રસપ્રદ સ્થળ છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. કૃષ્ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો.આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી. તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્ય છે. તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપા પડવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે. તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનને 108 શિવલીંગની પૂજા કરવી હતી. એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ઘ્યાને બેઠા ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાથી શિવલીંગ બની જશે. આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઈએ તો આ કુદરતી દ્રશ્ય જોવા મળે છે. ઉપરથી પાણીના ટીપા ટપકાં ગુફાની માટીમાં શિવલીંગ પર ટપકે છે. કુદરતી રીતે બનતા આ શિવલીંગો અદ્રશ્ય પણ થઈ જાય છે. અમરનાથમાં જેમ કુદરતી રીતે બરફનું શિવલીંગ બને છે એમ જાંબુવન ગુફામાં પાણીના ટપકાંથી માટીના શિવલીંગ બને છે. ભાવિકોમાં તે ભારે શ્રઘ્ધાનું સ્થળ છે. તે ઉપરાંત ગુફામાં સોના જેવી ચળકતી માટી પણ જોવા માટેનું કેન્દ્ર છે.