કોલકાતા રેલીમાં ભાજપ પર સહિયારો હુમલોJanuary 19, 2019

 ભાજપના બળવાખોર યશવંત સિંહાનો બળાપો: ભાજપે દેશની તમામ સંસ્થાને બરબાદ કરી
 આ ભાજપના અંતનો આરંભ છે-હાર્દિક : દેશ કટોકટી જેવી સ્થિતિમાં મુકાયો છે: જિજ્ઞેશ
કોલકતા તા.19
ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી યોજી હતી. તેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 13 પાર્ટીઓના નેતા મંચ પર છે. અહીં યશંવત સિન્હાએ કહ્યું હતું કે, મોદી અમારા માટે મુદ્દો નથી. દેશના મુદ્દાઓ જ અમારા મુદ્દા છે. તેથી તમે પણ મોદીને મુદ્દો ન બનાવશો. આ પહેલી સરકાર છે કે જે આંકડાઓ સાથે ચેડા કરે છે. ભાજપે દેશની દરેક સંસ્થાને બરબાદ કરી છે. દેશમાં આર્થિક વ્યવસ્થા નબળી પડી રહી છે. મમતાએ આ રેલીને ભાજપ માટે લોકસભા ચૂંટણી પહેલાની મોતની દસ્તક ગણાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચિઠ્ઠી લખીને આ રેલીને સમર્થન આપ્યું છે.
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબૂ નાયડુ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને બસપાના સતીશ ચંદ્ર મિશ્રા પણ આ રેલીમાં સામેલ થવા કોલકાતા પહોંચી ગયા છે.
રાહુલે પત્રમાં લખ્યું છે કે, સમગ્ર વિપક્ષ એક છે. હું મમતા દીને વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન આપુ છું.
આશા છે કે, અમે બધા એક જૂથ ભારતનો શક્તિશાળી સંદેશો આપીશું. રાહુલે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું, સમગ્ર વિપક્ષ એકજૂથ છે. અમારું માનવું છે કે, સાચો રાષ્ટ્રવાદ અને વિકાસ જ લોકતંત્ર, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના પિલરને બચાવી શકે છે. જેને ભાજપ અને મોદી બરબાદ કરવા માગે છે. રાહુલ ગાંધી અને સોનિયા મમતાની આ રેલીમાં સામેલ થવાના નથી. બસપ પ્રમુખ માયાવતી આ રેલીમાં ભાગ લેવાના નથી.
મમતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ એકજૂથ ભારત રેલી ભાજપના કુશાસન વિરુદ્ધ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 125 સીટથી આગળ વધી શકી નહતી. સ્થાનિક પાર્ટીઓનું પ્રદર્શન ભાજપથી સારુ છે. લોકસભા ચૂંટણી પછી આ પાર્ટીઓ નિર્ણાયક સાબીત થશે.
મમતા બેનરજી દ્વારા આયોજિત મેગા રેલીમાં ભાગ લઇ રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. વિપક્ષની આ મહારેલીને સંબોધિત કરતા હાર્દિક પટેલે કહ્યું કે આ રેલી ભાજપના અંતની શરૂઆત છે. તેમણે કહ્યું કે સુભાષબાબુ ગોરાઓ સામે લડ્યાં હતાં અને અમે ચોરો સામે લડીશું. તેમનું આ નિવેદન મોદી-શાહની જોડી ઉપર નિશાન બનાવીને કહેવામાં આવ્યું હોવાનું જાણકારોનું કહેવું છે. તો જિગ્નેશ મેવાણીએ દેશ કટોકટી જેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અને વિપક્ષનું એકજૂથ થવું મોટો સંદેશ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ખેડૂતો, મજૂરો અને દલિતોનું શોષણ થઇ રહ્યું છે અને બંધારણને ખતમ કરવાની કોશિશો થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસ દ્વારા આયોજિત યુનાઇટેડ ઇન્ડિયા રેલીમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ તેમજ ભાજપના બળવાખોર નેતાઓ યશવંત સિંહા, અરુણ શૌરી અને શત્રુઘ્ન સિંહા ભાગ લઇ રહ્યાં છે.