બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ સફળતા માટે...January 19, 2019

 પ્રત્યેક વિષયની તૈયારી માટે કેટલો સમય ફાળવવો જરૂરી છે, તે અંગેનું સમયપત્રક બનાવો. ચુસ્તપણે આ સમયપત્રકનો અમલ કરશું એટલે કે તે મુજબ વાંચન કરશું તો તે અડધી સફળતા બરાબર હશે.
 ધોરણ 10 કારકિર્દીના ઘડતર માટેનું ખૂબ નિર્ણાયક વર્ષ છે, આથી બોર્ડ પરીક્ષા પદ્ધતિને કેન્દ્રમાં રાખીને શકય બને તેટલા વધુ બોર્ડ-પરીક્ષાના પ્રશ્ર્નપત્રો અને અસાઇન્મેન્ટરૂપી પ્રશ્ર્નપત્રો સમયમર્યાદામાં લખવાની પ્રેક્ટિસ કરો.
 લખેલા પ્રશ્ર્નપત્રોનું આપના વિષય-શિક્ષક અથવા વિષય-નિષ્ણાંત દ્વારા મુલ્યાંકન કરાવો. જેમ જેમ વધારે પ્રશ્ર્નપત્રો લખતા જશો તેમ તેમ આપનો સ્કોર વધતો જશે. સાથે સાથે સમય-મર્યાદા આસાનીથી જળવાતી જશે. આથી આપનો આત્મવિશ્ર્વાસ વધતો જશે. આથી પરીક્ષા અંગેનો ડર, ધીરે ધીરે ઓસરતો જશે.
 પ્રશ્ર્નપત્રો લખતી વખતે ઝડપ વધે તેવા પ્રયત્નો કરો. સાથે સાથે એ વાતની કાળજી રાખો કે આપના અક્ષરો સુંદર અને સુવાચ્ય પણ હોય.
: બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી દરમિયાન
નીચેના સૂચનો અંગે કાળજી લેશો :
 ગણિત અને વિજ્ઞાનના ઉત્તરો લખવા બધા સૂત્રો યાદ રાખવાનો પ્રયત્ન કરો.
 ભાષાના પ્રશ્ર્નપત્રમાં ઉત્તર લખતી વખતે કૃતિઓ અને તેના કર્તાઓનો જ્યાં જરૂર હોય ત્યાં ઉલ્લેખ કરશો. લખવાની પ્રેક્ટિસ વધારશો તો ગોખવાની જરૂર નહીં પડે.
 ગણિતના પ્રશ્ર્નપત્રમાં છેલ્લી 10 મિનિટમાં દાખલાઓ ફરીથી ચેક કરો. નિયમો, સૂત્રો, કારણોનો યોગ્ય જગ્યાએ ઉલ્લેખ કરવાનું ચૂકશો નહીં.
 ગણિત અને વિજ્ઞાનના પ્રશ્ર્નપત્રમાં સ્વચ્છ, નામનિર્દેશવાળી આકૃતિ દોરવી જરૂરી છે.
 સામાજિક વિજ્ઞાનના નકશાપૂર્તિના પ્રશ્ર્નમાં પૂછેલી વિગતોને યોગ્ય સ્થાને તથા યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો.
 કોઇપણ પ્રશ્ર્નનો જેટલો ઉત્તર આવડતો હોય તેટલો જરૂર લખો. જેટલો ઉત્તર લખ્યો હશે, તેટલા ગુણો તો જરૂર મળશે.
: બોર્ડ-પરીક્ષાના હોલમાં :
 પરીક્ષા આપવા જતી વખતે બોર્ડ પરીક્ષાની રીસીપ્ટ, બે-ત્રણ પેન, પેન્સીલ, રબર, કંપાસબોકસ આગલી રાત્રે જ તૈયાર રાખવા. રીસીપ્ટની ઝેરોક્ષ કાઢીને તમારા અભ્યાસ ટેબલ ઉપર લગાડવી.
 પરીક્ષા કેન્દ્ર પર નિયતસમય કરતા 30 થી 40 મિનિટ વહેલા પહોંચવું.
 પરીક્ષાખંડમાં નિરીક્ષક દ્વારા આપવામાં આવતી દરેક સુચનાઓનું પાલન કરો. તમને કોઇ મુંઝવણ હોય, તો વિના સંકોચે તેનું માર્ગદર્શન મેળવો. આસપાસના વિદ્યાર્થીઓ પાસે વસ્તુઓની આપ-લે ન કરશો. તેઓની સાથે વાત પણ ન કરશો.
 ઓએમઆર આન્સર સીટમાં અને ઉત્તરવહીમાં માંગેલી માહિતી/સુચનાઓ કાળજીપૂર્વક ભરો. જરૂર પડે તો નિરીક્ષકનું માર્ગદર્શન મેળવો.
 પ્રશ્ર્નપત્રના ઉત્તરો લખતાં પહેલા પ્રશ્ર્નપત્રને બે-ત્રણ વાર ધ્યાનથી વાંચો. સરળ અને અઘરા પ્રશ્ર્નોની તારવણી કર્યા પછી સરળ પ્રશ્ર્નોના ક્રમ મુજબ જ ઉત્તર લખો. ત્યારબાદ અઘરા પ્રશ્ર્નોના ઉત્તર ક્રમ મુજબ આશરે છોડેલી જગ્યામાં પાછળથી લખી શકાય.
 પરીક્ષાખંડમાં પ્રબળ આત્મવિશ્ર્વાસ સાથે, ચોકસાઇથી લેખન શરૂ કરો, કે જેથી નિયત સમયમર્યાદા કરતાં દસેક મિનિટ વહેલા પ્રશ્ર્નપત્ર લખાઇ જાય. છેલ્લી 10 મિનિટમાં બધા ઉત્તરો એકવાર ચેક
કરી જોશો.
નકુમ સર (ક્રિસ્ટલ સ્કૂલ્સ્-રાજકોટ)