ભાજપના 26 ઉમેદવારોના નામ તૈયાર, મોદી મારશે અંતિમ મહોરJanuary 18, 2019

મુખ્યમંત્રીના નિવાસે ઓમ માથુરની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકનો ધમધમાટ અમદાવાદ તા,18
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસ રાજભવનમાં રાત રોકાવાના છે, વાઈબ્રન્ટ એ ગુજરાતનો સૌથી મોટો પ્રસંગ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપની સ્થિતિ હાલમાં ખરાબ છે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિને રોકવા માટે ભાજપે મરણિયા પ્રયાસો ચાલુ કર્યા છે. ભાજપે પ્રભારી બદલી ઓમ માથુર પર ફરી દાવ ખેલ્યો છે. માથુર જ 26માંથી 26 બેઠકો જીતી લાવ્યા હતા. આજે પણ માથુરે 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પણ હાલની સ્થિતિ અલગ છે. આવતીકાલે મોદી આવવાના છે. 2 દિવસ રાજભવનમાં રોકાવાના હોવાથી ગુજરાતની 26 લોકસભા બેઠક અંગે તમામ બાબતો ચર્ચાય તેવી પૂરી સંભાવના છે. જેને પગલે ઓમ માથુર તાગ મેળવવા માટે એક દિવસ વહેલા આવી ગયા છે. રૂપાણીને ત્યાં ઓમ માથુરની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી રહી છે. જેમાં લોકસભાની તૈયારીઓની ચર્ચા થશે. મોદીને કાલે કેવો રિપોર્ટ સબમિટ કરાવવો એ પણ આજે નક્કી થઈ છે. લગભગ 26 બેઠકો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી મોદી સમક્ષ વિગતો રજૂ કરાય તેવી પૂરી સંભાવના છે. જેમાં ઉમેદવારનું લિસ્ટ પણ લગભગ ફાયનલ થઈ શકે છે. માથુરે ઉમેદવારો માટે પેપર વહેલું ફોડવાનો ઇનકાર કર્યો છે પણ લગભગ આ નામોની પેનલ બની ગઈ છે. જે માટે અમિત શાહ અને મોદીની હા જ બાકી છે. રૂપાણી અને વાઘાણીની ઉત્તરાયણમાં બેઠક થઈ છે. જેમાં લગભગ સહમતી બન્યા બાદ હવે મોદી સામે આ પ્રેઝન્ટેશન રજૂ થઈ શકે છે. 26માંથી 11થી 12 બેઠક જીતવાનો કોંગ્રેસનો દાવો મગફળી કૌભાંડ અને ખેત તલાવડી કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, પાક વીમાના પ્રશ્ને સરકારને ઘેર્યા બાદ બાદ કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં વધુ મજબૂત થતા લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ કોંગ્રેસ અંદાજ મૂકી રહ્યું છે. ગુજરાતમાં 2014માં 100 ટકા એટલે કે 26 બેઠક જીત્યું હતું, તે હવે દેશમાં ભાજપને 5 રાજ્યોમાં મળેલી કારમી હાર પછી 50 ટકા કરતા ઓછી બેઠકો મળે એવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જોઇએ આંકડાઓ શું કહી રહ્યાં છે. ભાજપ સામે અનેક પડકાર આ પરિસ્થિતિમાં ભાજપને પરેશાન કરતા કારણોમાં નેતાઓનું ઘમંડ, તોછડાઈ, ઉડાઉ જવાબ, લોકશાહી વિરુદ્ધના નિર્ણયો, આરટીઆઈ વિરોધી વલણ, એકતરફી નિર્ણયો, શિક્ષણ, ગૃહ, મહેસૂલ, નાગરિક પુરવઠા, સિંચાઇ, ઉદ્યોગ અને નાણાં વિભાગની ઢીલી કામગીરી નડે છે. ગુજરાતમાં મોટા કહેવાય એવા કૃષિ પાક વીમો, ખેડૂતોના સિંચાઇના પ્રશ્નો, પેપર લીક , પૂર રાહત જેવા કૌભાંડોની લોકમાનસ પર ખરાબ અસર પડી છે. જ્યારે કોંગ્રેસને નડતી બાબતોમાં હદ બહારનો જૂથવાદ, કાર્યકરો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને મદદ ન કરવી. ભાજપ સાથેના પક્ષના નેતાઓના મીઠા સબંધો, સરકાર સાથે સબંધો સારા રાખવીની નીતિ, વારંવાર હારતા નેતાઓને ટિકિટો આપવી. ભાજપ સરકારના કૌભાંડો જાણતા હોવા છતાં જાહેર ન કરવા અને પૈસા લઈ સમાધાન કરી લેવાની વૃતિનો સમાવેશ થાય છે.