ભીલવાસ ચોકમાં વરલીના પાટલા ઉપર દરોડો: 11 ઝડપાયા, 10 ફરારJanuary 18, 2019

 પોલીસે પટમાંથી 39 હજારની રોકડ, મોબાઇલ અને બાઇક મળી કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 આરોપીઓને પોલીસે કડવા લીમડાનો સ્વાદ ચખાડ્યો
રાજકોટ તા.18
શહેરના પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીલવાસ ચોક પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વરલી મટકાના પાટલા ઉ5ર દરોડો પાડી 11 શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે 10 થી વધુ શખ્સો દરોડા દરમિયાન નાસી છુટતા પોલીસે રૂા.39 હજારની રોકડ, મોબાઇલ અને બાઇક મળી કુલ રૂા.2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ.એન.રામાણી, હેડ.કોન્સ. જયેન્દ્રસિંહ, લક્ષ્મણભાઇ, યુસુફખાન, મયુરસિંહ, રાણાભાઇ સહિતનો સ્ટાફ શહેર વિસ્તારમાં જુગારના કેસો શોધવા પેટ્રોલિંગમાં હતો દરમિયાન ભીલવાસ ચોક પાસે ઇગલ પેટ્રોલ પંપ નજીક ઇદગાહ મેદાન વોકળાના કાંઠે અબુ ખાટકી નામનો શખ્સ વરલી ફીચરનો પાટલો ચલાવતો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પ્રનગર પોલીસને અંધારામાં રાખી દરોડો પાડ્યો હતો.
જાહેરમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે વરલી મટકાનો જુગાર રમાડનાર ખાટકીવાડના અબુ હસન ચૌહાણ ઉપરાંત જુગાર રમતા પરેશ દેવજી ચુડાસમા, અરવિંદ સવજી પાંભર, (રે.રેલનગર, છત્રપતિ શિવાજી ટાઉનશીપ), મુકેશ જેસુખ કારીયા(રે. મહર્ષિ ટાઉનશીપ) હરેશ ચંદુ ગાંધી, રફીક અબુ ચૌહાણ, કાસમ હુસેન ચૌહાણ, મહેબુબ અબુ ચૌહાણ, દિનેશ વશરામ વાઘેલા (રે. -ધ્રોલ, જીવરાજ ગોવિંદ ચાવડા (આંબેડકરનગર, કાલાવડ રોડ), અમન ફૈજુદીન મલેક (સદર) વાળાને ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન 10 થી વધુ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે પટ્ટમાંથી રોકડ રૂા. 39950 તથા વરલી ફિચરના આંકડાઓ લખેલી ચિઠ્ઠીઓ, મોબાઇલ નં.9 તથા બાઇક નં.7 મળી કુલ રૂા.2,03,450નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ફીસ્ટાફ પીએસઆઇ એમ.જે. રાઠોડે તપાસ હાથ ધરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પ્ર. નગર પોલીસે વરલી મટકાના જુગારમાં ધરપકડ કરાયેલા તમામ શખ્સોને પોલીસ કમિશનર કચેરીએ લઇ જઇ કમિશનર કચેરીમાં આવેલા કડવા લીમડાનો સ્વાદ ચખાડ્યો હતો અને આકરી સરભરા કરી હતી.