વાઇબ્રન્ટ સમિટ, નીતિન પટેલની નારાજગી કે કટ ટુ સાઇઝ?January 18, 2019

લોકસભાની ચૂંટણી પૂર્વે મોટી રાજકીય ઉથલપાથલના સંકેત
ગાંધીનગર તા.18
વડાપ્રધાનના હોમસ્ટેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા વાઇબ્રન્ટ સમિટનો જબરો કાર્યક્રમ ભાજપ સરકારે શરૂ કર્યો છે. ત્યારે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અવગણના કે, નારાજગીનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. અને વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થયા બાદ ભાજપમાં રાજકીય ઉથલપાથલ થવાના નિર્દેશો મળી રહ્યા છે.
અમદાવાદ ખાતે ગુરુવારે વડાપ્રધાન મોદીએ 1500 પથારીવાળી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. આ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હોવાથી વિવાદ ઉભો થયો છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પહોંચે છે ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમને આવકારવા પહોંચતા હોય છે. પરંતુ 17મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી તેમને સ્વાગત માટે પહોંચ્યા ન હતા. એટલું જ નહીં મોદીએ જ્યારે ગાંધીનગર ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ તેઓ ટ્રેડ શોમાંથી અધવચ્ચેથી જ નીકળી ગયા હતા.ગુજરાત ભાજપમાં આવનારા દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે. હાલમાં જ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નામ બાદ કરાતાં વિવાદ ઉડીને આંખે વળગ્યો છે, મુખ્યમંત્રીના ઉમેદવારથી લઇને નાણાખાતા માટે નારાજગી જગજાહેર કરી ચૂકેલા નીતિન પટેલને કટ ટૂ સાઇઝ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રો કહી રહ્યાં છે.
સીએમઓના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે નીતિન પટેલ અનુભવી અને વરિષ્ઠ નેતા હોવાના નાતે વિજય રૂપાણીએ લીધેલા અનેક નિર્ણયો ગણકારતા પણ નથી. એટલે હવે નાયબ મુખ્યમંત્રી.નીતિન પટેલને ગુજરાતની રાજનીતિમાંથી કટ ટૂ સાઇઝ કરવા રૂપાણીના જૂથે રાજકીય કસરત આદરી છે. સાથે જ કહેવાય છે કે આ કસરતના ભાગ રૂપે જ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત જઙ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરી દેવાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાજપના તમામ ધારાસભ્યોના નામ આમંત્રણ પત્રિકામાં છે, એક માત્ર નીતિન પટેલની જ બાદબાકી કરાઇ છે, આ જ બતાવે છે કે ગુજરાત સરકારમાં સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ નહીં લખવાની હિમ્મત એએમસીના હોદ્દેદારો કે મ્યૂનિસીપાલ કમિશનરમાં પણ નથી. માત્રને માત્ર સીએમ ઓફિસના ઇસારે નીતિન પટેલને તેમનું સ્થાન બતાવી દેવા માટે તેમની બાદબાકી કરાઇ છે. હોર્ડિંગમાંથી ફોટા ગાયબ
અત્રે એ ઉલ્લેખનિય છે કે, વાઇબ્રન્ટ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠેરઠેર લાગેલા વિશાળ હોર્ડિંગ તથા બેનરોમાંથી પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ગાયબ થઇ ગયો છે. તેમજ જાહેરખબરોના કેમ્પેઇનમાં પણ નીતિનભાઇનો ફોટો દેખાતો નથી. દરેક સ્થળે માત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા જ દેખાય છે.
હું વિનમ્ર અને વિવેકી છુ, મારૂ કામ કરતો રહીશ: નીતિનભાઇ
આ મામલે જ્યારે મીડિયાએ નીતિન પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, કોનું નામ છાપવું અને ન છાપવું એ મ્યુનિ. કોર્પોરેશન નક્કી કરતું હોય છે. નામ હોય કે ન હોય તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું વિનમ્ર અને વિવેકી છું, હું મારું કામ કરતો રહીશ.