લદ્દાખમાં જીવલેણ હિમસ્ખલન 10 પ્રવાસી ફસાયા, 3નાં મોતJanuary 18, 2019

 ખારદુંગલા નજીક ચાર ગાડી ફસાઈ ; બરફના તોફાનમાં રેસ્ક્યુ મુશ્કેલ
લદ્દાખ તા,18
જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ભારે હિમસ્ખલનના કારણે ઘણાં વાહનો બરફ નીચે દબાઈ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા 10 લોકો ફસાયા હોવાની શક્યતા છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ભારતીય સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે વાતાવરણમાં ખૂબ ફેરફાર થતાં હોવાથી સેનાને રાહત બચાવ કામગીરીમાં પણ ઘણી તકલીફ થઈ રહી છે. લદ્દાખના માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બપોર સુધીમાં મળતા અહેવાલ મુજબ આ કુદરતી આપત્તિમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજયા છે. કેટલાંક લોકોના
જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે 7 વાગે લદ્દાખના ખારદુંગલામાં રસ્તા વચ્ચે બરફનો પહાડ ધસી આવ્યો હતો. તેના કારણે ઘણાં પર્યટકો દબાઈ ગયા હતા. ખારદુંગલામાં આ દુનિયાનો સૌથી ઉંચાઈ પર આવેલો રસ્તો છે. અહીંનું તાપમાન માઈનસ 15 ડિગ્રી કરતા પણ ઓછું છે.
હવામાન ખરાબ હોવાના કારણે છેલ્લા બે દિવસથી શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક પણ ફ્લાઈટે ઉડાન ભરી નથી. અહીં બે દિવસમાં અંદાજે 22 ફ્લાઈટ રદ થઈ છે.
બોકસ
દિલ્હીમાં ઠંડીના કારણે 14ના મોત
પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે ગુરુવારે ફરી દિલ્હીમાં ઠંડી વધી ગઈ છે. અહીં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની છે. એનજીઓ સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1થી 14 જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં ઠંડીના કારણે 23 લોકોના મોત થઈ ગયા છે.
બરફવર્ષા ચાલુ રહેશે, ઠંડી વધશે મનાલીમાં પર્યટકોને નહીં આવવા ભલામણ
હિમાચલના રોહતાંગ સહિત મનાલીના પણ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. કેલાંગમાં ગુરુવારે રાતે તાપમાન માઈનસ 10 ડિગ્રી જોવા મળ્યું હતું. અહીં 3 સેમી સુધીની બરફવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત હિમાલયમાં પણ બરફવર્ષા થઈ રહી છે. અહીંની સ્થાનિક સરકારે હાલ પર્યટકોને ન આવવાની ભલામણ કરી છે.