ગુજરાતને હોમ ગ્રાઉન્ડમાં કચડી રણજીમાં કેરળનો વિજયJanuary 18, 2019

 ત્રીજા જ દિવસે 113 રને પરાજય આપી કેરળનો
સેમિફાઈનલમાં પ્રવેશ
કોચી તા.18
કેરળની ટીમે હોમગ્રાઉન્ડ પર ગુજરાતની ટીમને રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચના ત્રીજા જ દિવસે 113 રને પરાજય આપી રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ વાર સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કેરળની ટીમ ગત વર્ષે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. ગુજરાતની ટીમને જીત માટે 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેની સામે સમગ્ર ટીમ 31.3 ઓવરમાં 81 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ ગતી. કેરળ તરફથી બાસિલ થમ્પીએ 27 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે સંદીપ વોરિયરે 30 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. બાસિલ થમ્પીએ મેચમાં કુલ આઠ વિકેટ ઝડપતાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સંદીપ વોરિયરે પણ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.
કેરળની ટીમે પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમ 162 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવના આધારે કેરળને 23 રનની લીડ મળી હતી. બીજા દાવમાં કેરળની ટીમ 172 રન બનાવી ઓલઆઉટ થતાં ગુજરાતને જીત માટે 195 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ત્રીજા દિવસે ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ગુજરાતની ટીમ બાસિલ થમ્પી અને સંદીપ વોરિયરની ઘાતક બોલિંગ સામે ટકી શકી નહોતી અને 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી રાહુલ શાહે 70 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા જ્યારે ધ્રુવ રાવલ 17 રન બનાવી આઉટ થયો હતો. આ બંને સિવાય ગુજરાતનો એકેય બેટ્સમેન ડબલ ફિગરે પહોંચી શક્યો નહોતો. ગુજરાતના કેપ્ટન ર્પાથિવ પટેલ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ ગયો હતો.
અન્ય એક મેચમાં સૌરાષ્ટ્રની ટીમ સામે ઉત્તર પ્રદેશે 349 રનની લીડ મેળવી લીધી છે. ઉત્તર પ્રદેશે પ્રથમ દાવમાં 385 રન બનાવ્યા હતા જેની સામે સૌરાષ્ટ્રની ટીમ 208 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં ઉત્તર પ્રદેશે આઠ વિકેટે 172 રન બનાવી લીધા છે.