ગંદા હૈ પર ધંધા હૈ! મુંબઈમાં શરૂ થશે ખરા ડાન્સબાર?January 18, 2019

મુંબઈ સહિતનાં મહારાષ્ટ્રનાં શહેરોમાં ચાલતાં ડાન્સબાર્સને અંતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી. આમ તો સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ પહેલાં જ ડાન્સબાર પરના પ્રતિબંધોને હટાવીને ડાન્સબાર્સને મંજૂરી આપી દીધેલી પણ મહારાષ્ટ્ર સરકાર આડી ફાટેલી તેમાં કોકડું ગૂંચવાયેલું. મહારાષ્ટ્ર સરકારના ઈશારે મહારાષ્ટ્ર પોલીસે એક ફતવો બહાર પાડેલો ને તેમાં 24 શરતો હતી. આ 24 શરતોનું પાલન કરાય તો જ ડાન્સબારને મંજૂરી મળે એવું તૂત મહારાષ્ટ્ર સરકારે ઊભું કરેલું. આ શરતો રીતસરની આડોડાઈ જેવી જ હતી ને તેનું પાલન થાય એમ જ નહોતું.
બાર એસોસિએશન તેની સામે ફરી સુપ્રીમ કોર્ટમાં ગયું પછી સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો કાઢી નાંખેલી ને કેટલીક હળવી કરેલી. જો કે મહારાષ્ટ્રની સરકારને ડાન્સબાર ચાલુ થાય એમાં રસ નહોતો એટલે તેમણે નવી શરતો ઠોકી દીધેલી. બારવાળા પાછા સુપ્રીમ કોર્ટમાં ગયા ને ગુરૂવારે સુપ્રીમ કોર્ટે એ શરતો પણ કાઢી નાંખી છે. સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર પાણીમાંથી પોરા કાઢી કાઢીને ડાન્સબાર ચાલુ જ ના થાય એવા ધંધા બંધ કરે ને સાંજે છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા લગી ડાન્સબાર ચાલુ રહેવા દે. ડાન્સબારમાં ઓરકેસ્ટ્રા રાખવાની પણ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અલબત્ત પહેલાંની જેમ બાર ડાન્સરો પર સિક્કા નહીં ફેંકી શકાય કે નોટોનો વરસાદ પણ નહીં કરી શકાય પણ ગ્રાહકો બાર ડાન્સર્સને ટીપ ચોક્કસ આપી શકશે.
દરેક ડાન્સબારમાં સીસીટીવી કેમેરા લગાવવાના ફતવાને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના મતે તેના કારણે પ્રાઈવસીનો ભંગ થાય છે. મહારાષ્ટ્ર સરકારે એક વિચિત્ર શરત એવી મૂકેલી કે, હવે પછી સારું ચારિત્ર્ય ધરાવતા એટલે કે ગુડ કેરેક્ટર હોય તેવાં લોકોને જ ડાન્સબારનું લાયસંસ અપાશે. આ ગુડ કેરેક્ટરની વ્યાખ્યા શું એ મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલા શાણા લોકો જાણે પણ સુપ્રીમ કોર્ટે આ બકવાસ શરતને પણ કચરાટોપલીમાં ફેંકી દીધી છે. બારમાં જ્યાં શરાબ પિરસાતો હોય ત્યાં બાર ગર્લ્સ ડાન્સ ના કરી શકે એવી શરત પણ રખાયેલી ને એ શરતને પણ સુપ્રીમ કોર્ટે બાજુ પર મૂકી દીધી છે. શૈક્ષણિક સંસ્થાઓ ને ધાર્મિક સ્થળોથી એક કિલોમીટર વિસ્તારમાં ડાન્સબાર ના હોવો જોઈએ એવો ફતવો પણ સરકારે બહાર પાડેલો ને એ ફતવાને પણ સુપ્રીમ કોર્ટે મંજૂર નથી રાખ્યો. મહારાષ્ટ્ર સરકારે ડાન્સર્સનું શોષણ ના થાય એટલા માટે તેમની સાથે કોન્ટ્રાક્ટ કરાય એવી શરત મૂકેલી એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે પણ ડાન્સરો માટે માસિક પગાર બાંધવાની શરત મંજૂર નથી રાખી. જો કે સવાલ કાનૂની રીતે કોણ જીત્યું ને કોણ હાર્યું તેનો નથી. સવાલ આ ચુકાદાના કારણે મુંબઈમાં ફરી ડાન્સબાર ધમધમતા થશે કે નહીં તેનો છે. અત્યાર લગી ડાન્સબારના મામલે મહારાષ્ટ્રના સત્તાધીશોનો રેકોર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ગમે તે રીતે વાંધા ઊભા કરીને તેનો અમલ નહીં કરવાનો રહ્યો છે. ડાન્સબાર પર પ્રતિબંધનો તુક્કો મૂળ તો શરદ પવારની એન.સી.પી.ના આર.આર. પાટિલનો હતો. આપણે ત્યાં નૈતિકતાના નામે જાત જાતના તુક્કા અમલી બનાવી દેવાય છે ને તેમાં જ ડાન્સબારની બુંદ બેસી ગઈ. સામાન્ય રીતે આવા બધા તુક્કા શિવસેનાવાળાને સૂઝતા હોય છે પણ પાટિલને મહારાષ્ટ્રમાં નૈતિકતાના ઠેકેદાર બનવાનું સજ્યું એટલે તેમણે ઓગસ્ટ 2005માં તમામ ડાન્સબાર પર પ્રતિબંધ ઠોકી દીધેલો. એ પ્રતિબંધની વાત વાહિયાત હતી તેથી છ મહિનામાં તો બોમ્બે હાઈ કોર્ટે એ પ્રતિબંધને ગેરકાયદેસર જાહેર કરી દીધેલો. એપ્રિલ 2006માં એ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં ડાન્સબાર બંધ કરવાના મામલે પાટિલની એટલી વાહવાહી થઈ ગયેલી કે એ ફોર્મમાં આવી ગયેલા. તેના કારણે તેમણે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો. આપણે ત્યાં ન્યાયતંત્રમાં બધું કાચબાની ગતિએ ચાલતું હોય છે. આ કેસમાં પણ એવું જ થયેલું ને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવતાં આવતાં સાત વર્ષ નિકળી ગયાં. જુલાઈ 2013માં સુપ્રીમે હાઈ કોર્ટના ચુકાદાને માન્ય રાખીને ડાન્સબાર પરનો પ્રતિબંધ હટાવી દીધો. તેની સામે મહારાષ્ટ્ર સરકારે રિવિઝન પિટિશન કરી. તેમાં છ મહિના નિકળી ગયા ને એપ્રિલ 2014માં સુપ્રીમે એ અરજી પણ ફગાવી દીધી એટલે મહારાષ્ટ્ર સરકારે વટહુકમ બહાર પાડીને પાછો પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2015માં એ વટહુકમને પણ ગેરકાયદેસર ઠરાવીને બધા ટંટાનો નિવેડો લાવી દીધો હતો. ત્યાં લગીમાં મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગયેલી ને દેવેન્દ્ર ફડણવીસ આવી ગયેલા.
ફડણવીસ ડાન્સબારને ચાલુ થવા દે તો ચોખલિયા તૂટી પડે એટલે ફડણવીસે સુપ્રીમના આદેશનું પાલન ના કરવું પડે એ વાસ્તે નવો દાવ ખેલ્યો. મહારાષ્ટ્ર પોલીસે એક ફતવો બહાર પાડ્યો કે જેમાં 24 આકરી શરતો હતી ને આ 24 શરતોનું પાલન કરાય તો જ ડાન્સબારને મંજૂરી મળે. સુપ્રીમ કોર્ટે એ રીતે ડાન્સબાર ફરી ચાલુ કરવા આડેના અવરોધ ત્રણેક વરસ પહેલાં જ હટાવીને રસ્તો સાફ કરી નાંખેલો પણ મહારાષ્ટ્ર સરકાર આડીતેડી વાતો કરીને ડાન્સબારનાં લાયસંસ જ નહોતી આપતી ને નવા નવા ફતવા બહાર પાડતી હતી એટલે બાર માલિકાએ પાછા સુપ્રીમ કોર્ટમાં જવું પડેલું. અત્યારે તેનો ચુકાદો આવ્યો છે પણ હવે પછી પણ મહારાષ્ટ્ર સરકાર પાછા એ જ ખેલ નહીં કરે એ નક્કી નથી.
મહારાષ્ટ્ર સરકાર શું કરશે એ ખબર નથી પણ રાજકારણીઓની નૈતિકતાના ઠેકેદાર બનવાની ભૂલના કારણે હજારો પરિવારોએ ભોગવવું પડ્યું છે એ વાસ્તવિકતા છે. ડાન્સબારના કારણે ઘણાંનાં ઘર બરબાદ થયાં છે ને ડાન્સબારની આડમાં વેશ્યાવૃત્તિ ચાલે છે એ વાત કંઈક અંશે સાચી છે પણ બધી ડાન્સ ગર્લ્સ શરીરના સોદા નહોતી કરતી એ પણ સાચું છે. ગામ હોય ત્યાં ગંદવાડો હોય જ પણ તેના કારણે આખું ગામ ઉકરડો ના ગણાય.
ડાન્સબાર બંધ થયા તેના કારણે એ બધાં રાતોરાત બેકાર થઈ ગયાં ને તેમનાં ઘર કઈ રીતે ચાલશે તેની કોઈએ ચિંતા જ ના કરી. કમનસીબે આજે 13 વર્ષ પછી પણ એ ચિંતા કોઈ નથી કરતું.
હવે એ પેઢી શું કરતી હશે એ ખબર નથી ત્યારે ડાન્સબાર ચાલુ થાય તેના કારણે તેમને રાહત થશે કે ફાયદો થશે એવી વાત કરવાનો અર્થ નથી પણ તેના કારણે નવાં લોકોને ચોક્કસ રોજી મળશે.