વાઈબ્રન્ટમાં રાજકોટમાં ડિફેન્સના પાર્ટ બનાવવાનું MOUJanuary 18, 2019

શસ્ત્રોમાં વપરાતા હથિયારોનાં પાર્ટસનું ઉત્પાદન રાજકોટમાં થશે: મેટોડા નજીક જમીન ફાળવાશે: ઓટો પાર્ટસમાં પણ ફાઈન થ્રેડ ફોર્મ ઈન્ડસ્ટ્રીઝે કર્યું 100 કરોડનું એમઓયુ
રાજકોટ તા.18
ગાંધીનગરમાં આજથી શરૂ થયેલ ત્રણ દિવસીય વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના રોકાણ થનાર છે તેમાં રાજકોટમાં ડિફેન્સના પાર્ટસ બનાવવાનું પણ એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) કરવામાં આવ્યું છે તેમાં સરકારે કંપનીને મેટોડા પાસે જમીન સહિતની સુવિધા આપવામાં આવનાર છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન રાજકોટમાં કુલ 954 ઉદ્યોગોના એમઓયુ કરવામાં આવ્યા છે. તેમાં 910 સુક્ષ્મલઘુ મધ્યમકદના અને 44 મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેર આસપાસ નાના કદના ઉદ્યોગોમા એક લાખથી લઇને 10 કરોડ સુધીના રોકાણ કરવામાં આવ્યા છે. તેમાં આશરે 300 કરોડના નવા ઉદ્યોગો સ્થપાનાર છે.
નાના-મધ્યમ ઉદ્યોગની સાથે 44 મોટા ઉદ્યોગોએ પણ વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કર્યા છે. આ ઉદ્યોગમાં ઓછામાં 10 કરોડથી લઇ 100 કરોડ સુધીમાં ઓછુ રોકાણ કરવામાં આવ્યું છે. આમ વાઈબ્રન્ટ સમિટમા રાજકોટ જિલ્લામા કુલ 500 કરોડથી વધુના નવા ઉદ્યોગોએ રોકાણ કર્યા છે.
રાજકોટમાં સ્થપાનાર પ્રોજેક્ટમાં ડિફેન્સના પાર્ટસ બનાવવામાં પણ આવનાર છે. એક મોટાગજાની કંપનીએ સેનાના હથિયાર અને શસ્ત્રોમાં વપરાતા પાર્ટ બનાવવા માટે વાઈબ્રન્ટ સમીટમાં એમઓયુ કરવામાં આવ્યું છે. આ માટે કંપનીને મેટોડા નજીક સરકારી જમીન પણ આપવામાં આવી છે.
ઉપરાંત લાઈટ સહિતની સગવડ પણ આપનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટ બાદ કંપની દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે. વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ડિફેન્સ ઉપરાંત રાજકોટની વૈશ્ર્વીક કક્ષાએ ઓળખ બનેલ ઓટોપાર્ટસ માટે પણ 100 કરોડનું મુડી રોકાણ કરવામાં આવ્યું છે. ફાઈન થ્રેડ ફાર્મ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ ઓટો પાર્ટસ બનાવવાના પ્લાન્ટ માટે 100 કરોડનું એમઓયુ કર્યું છે. રાજકોટમાં ડિફેન્સનો બીજો પ્લાન્ટ
રાજકોટ નજીક આવેલ મેટોડા ઔદ્યોગિક વસાહતમાં ડિફેન્સનો આ બીજો પ્લાન્ટ શરૂ થનાર છે. રાજકોટના જ રૂપેશભાઇ મહેતા કે જેઓ મેકપાવર કંપની દ્વારા એવિએશન, ડિફેન્સના પાર્ટસ બનાવવામાં આવે છે. હવે પછી નવી કંપની દ્વારા આ બીજો પ્લાન્ટ શરૂ થનાર છે.
અનેક લોકોને મળશે રોજગારી
રાજકોટ નજીક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નાના-મોટા સહિત કુલ 954 નવા ઉદ્યોગો સ્થપાનાર હોય હજારો લોકોને નવી રોજગારીની તક મળનાર છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે નવા ઉદ્યોગોમાં આશરે 7 થી 8 હજાર લોકોને રોજગારી મળનાર છે.