ફૂટેલ પટોળિયા પર પાટીદાર અગ્રણીની ઓડિયો સ્ટ્રાઇકJanuary 17, 2019

 પક્ષ સાથે ગદારી કરનાર પટોળિયાએ પાટીદાર સમાજને પણ દગો આપ્યાનો આક્ષેપ
રાજકોટ તા.17
રાજકોટ મહાનગરપાલીકાની વોર્ડ નં.13 ની પેટા ચૂંટણી જાણે પ્રતિષ્ઠાનો જંગ બની હોય તેવા કાવાદાવાઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ ઘડીમાં કોંગ્રેસને પાટુ મારી ભાજપનો ખેંસ પહેરી લીધો હતો. આ ઘટનાની થોડી જ કલાકોમાં સોશ્યલ મીડિયા પર એક કલીપ વહેતી થઇ છે. કથીત રીતે આ કલીપમાં કોંગી ઉમેદવાર અને પટેલ અગ્રણી વચ્ચે સંવાદ હોય તેવી ચર્ચા જામી છે. અલબત આ કલીપ કોંગી ઉમેદવારની જ છે તેની પુષ્ટી થઇ નથી પણ કલીપે ભારે ચર્ચા જગાવી છે કેમ કે ઓડીયો સંવાદમાં પટેલ અગ્રણીએ ગંભીર આક્ષેપો કરી પુછયુ કે ભાજપે કેટલા રૂપિયા આપ્યા?
વોર્ડ નં.13 ની કોર્પોરેટરની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને ફોડીને મેદાન સાફ કરી નાખનાર ભાજપ સામે હવે પાટીદાર સમાજ પણ નારાજ અને લાલઘુમ થયો હોવાની ચચાૃએ ખળભળાટ મચાવ્યો છે. ચૂંટણી જીતવા થયેલા ભિન્ન કક્ષાનાં કાવાદાવાનાં ઘેરા પડઘા પડવા લાગ્યા છે. ગઇકાલ સાંજથી વોટસએપ સહિતનાં સોશ્યલ મીડિયાનાં અન્ય ફોર્મેટ પર વહેતી થયેલી એક ઓડીયો કલીપમાં કથીત રીતે પાટીદાર યુવાન ભાજપમાં ભળેલા કોંગી ઉમેદવારને બેફામ ભાંડતા હોવાની વાતો થઇ રહી છે. જે પક્ષે વિશ્ર્વાસ મુકી ટીકીટ આપી તેની સાથે દગો કરીને અંગત સ્વાર્થ માટે પક્ષપલ્ટો કરનારે ફકત પક્ષ જ નહી પરંતુ સમગ્ર પાટીદાર સમાજ અને લોકશાહી સાથે પણ દગો કર્યો હોવાનો આક્ષેપ કલીપમાં થયો હોવાનું જાણવા મળે છે.
છેલ્લી ઘડીએ ભાજપનાં ખોળામાં બેસીને કેટલા રૂપિયામાં સોદો થયો તેવા સણસણતા સવાલો આ કલીપમાં સાંભળી શકાય છે. પટેલ અગ્રણીનાં આક્ષેપો, અભદ્ર ભાષામાં ચોપડાવાતી હૈયાવરાળ અને સણસણતા સવાલો સાથેની આ ઓડીયો કલીપ ટોક ઓફ ધી ટાઉન બની છે.