વોર્ડ નં.13: બેફામ બૂટલેગરોનું ‘ડિંગલ’January 17, 2019

રાજકોટ તા.17
રાજકોટમાં ગોંડલ રોડ પર વોર્ડ નં.13માં આવેલા આંબેડકરનગરમાં નળમાંથી પાણીના બદલે દેશી દારૂ નીકળતો હોવાની ફરીયાદ બાદ બુટલેગરોનો આતંક સામે આવ્યો હતો. અને બેફામ બનેલા બૂટલેગરો ‘રજૂઆત કરનારના ઘરમાં ઘુસી ધોકા-પાઈપ વડે ધમાલ મચાવી તોડફોડ કરતા ખળળભાટ મચી જવા પામ્યો છે. બનાવને પગલે દોડી ગયેલી પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી. ચૂંટણી ટાણે જ બુટલેગરો દ્વારા ધમાલ મચાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ આંબેડકરનગર શેરી નં.10માં રહેતા લોકો વોર્ડ ઓફિસે પહોંચી તેમના ઘરોમાં નળમાં પીવાના પાણીની સાથે દેશી દારૂ આવતો હોવા અંગેની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ મનપાની ટીમ દોડી ગઇ હતી. પાણીની લાઈન લીકેજ હોવાથી ત્યાં કોઇ શખ્સો દ્વારા દેશી દારૂનો આથો ફેકતા હોવાનું સામે આવ્યું હતું.
જેથી મનપાની ટીમ દ્વારા લાઈન રીપેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ મોડી રાત્રે નળમાંથી દેશી દારૂ આવતો હોવાની રજુઆત કરનારના ઘરે બુટલેગરો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી. બુટલેગરોએ દેશી દારૂ આવતો હોવાની રજુઆત કરનારના ઘેર થઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તથા મકાનમાં ધોકા-પાઈપ વડે ઘુસી આવી મકાનના દરવાજા તથા ઘરમાં તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આંબેડકરનગર-10માં રહેતા હિતેશ હસમુખ વાઘેલા અને ભુપત ગોવિંદ વઘેરા નામના બે શખ્સોની અટકાયત કરી હતી.