માધાપરમાં પાણીની મોકાણ, 8 દી’માં નહીં મળે તો ચક્કાજામJanuary 17, 2019

રાજકોટ તા,17
હજુ તો શિયાળાએ વિદાય પણ લીધી નથી ત્યાં રાજકોટમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી તંત્રએ બનાવેલ કાગળ ઉપરના એકશન પ્લાનના દાવાનું સુરસુરિયું થઇ ગયું છે. આજે માધાપર વિસ્તારના 250 લોકોનું ટોળુ પાણીના પોકાર સાથે કલેકટર કચેરીમાં ધસી આવ્યું હતું.
માધાપરમાં 40 સોસાયટીમાં 16 હજારથી વધુ લોકો રહે છે. રૂડા અને મહાપાલીકા દ્વારા નવા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાંખવામાં નહી આવતા અત્યારથી જ પીવાના પાણીની ઘેરી કટોકટી સર્જાઇ છે. માધાપરમાં અયોધ્યાપાર્ક, રાધાપાર્ક-1,2, કૃષ્ણનગર, ગાયત્રી પાર્ક, સત્યમ, શિવમ, સુંદરમ સોસાયટી, પરાસર પાર્ક, બેકબોન, શેઠનગર, શ્રીનાગજી પાર્ક, ગોકુલ મથુરા, આસ્થા રેસીડેન્સી સહિતની સોસાયટીઓના રહેવાસીઓ બોર-કુવામાંથી પાણીનો વપરાશ કરી રહ્યા છે. ઓણસાલ વર્ષ નબળુહોવાના કારણે બોર-કુવા પણ ડુકી જતા આ વિસ્તારમાં પાણીની ગંભીર કટોકટી ઉદભવી છે. પાણીની હાડમારી ભોગવતા લોકોએ આજે કલેકટર કચેરીમાં ધામા નાખ્યા હતા. અને કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે એક સપ્તાહમાં જ પાણી પ્રશ્ર્ન ઉકેલવામાં નહી આવે તો 40 સોસાયટીના રહેવાસીઓ, માધાપર ચોકડીએ ચક્કાજામ કરશે.
રહેવાસીઓએ જણાવ્યું હતું ધામાપરમાં પાણીની કોઇ સુવિધા નથી. રૂડામાં આ બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે. છતા પણ પાણીની લાઈન, સમ્પની કોઇ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આથી આજે કલેકટર કચેરી ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માધાપર અને તેની આસપાસની સોસાયટીમાં છેલ્લાં 15 વરસથી પીવાના પાણી માટેની કોઇ વૈલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી આ પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે.