ટીપી શાખાની ‘તોડપાણી’ શાખનો ધજાગરો...January 17, 2019

 સંતકબીર રોડ ઉપર જાહેરમાં
8 શો-રૂમ ખડકાઇ ગયા અને તંત્ર મોઢામાં મગ ભરીને બેઠું
 ધારાસભ્યએ ગાંધીનગરથી ફોન કરાવી ગેરકાયદે બાંધકામની મંજૂરી લીધાની ચર્ચા, કમિશનર ‘પાની’નું ભેદી મૌન
રાજકોટ તા.17
રાજકોટના સંતકબીર રોડ પર અગાઉ એક વાર તોડી પડાયેલા અને ફરી ખડકાવા લાગેલા કોમ્પલેક્સના બાંધકામની ડિમોલીશનની નોટીસ નીકળ્યા બાદ થોડા દિવસના વિરામ બાદ ફરી કામ ટીપી શાખાના ઉચ્ચ અધિકારીએ ‘વહીવટ’ કરી બેરોકટોક મંજુરી આપવામાં આવી છે. 8 કરોડના શો-રૂમ તૈયાર થઇ રહ્યા છે જેમાં ટી.પી. શાખાના ઉચ્ચ અધિકારીએ 30 લાખનો ‘વહિવટ’ કર્યાની ચર્ચાએ ઉપલાકાંઠામાં જોર પકડ્યું છે. જ્યારે ઇસ્ટ વિસ્તારનાં ટીપી શાખાના અધિકારી પંડ્યાએ જણાવ્યું હતું બાંધકામ ગેરકાયદે છે નોટીસ પાઠવી દેવામાં આવી છે. ટીપી શાખાના ઉચ્ચ અધિકારીએ હાલ ડિમોલીશન કરવાની ‘ના’ પાડી છે તેવો ખૂલાસો પણ ર્ક્યો હતો સુત્રોએ આપેલી માહીતી મુજબ ધારાસભ્યની ઉપરવટ જઇ ગેરકાયદે બાંધકામોની મંજુરી છેક ગાંધીનગરથી લઇ આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ધારાસભ્યએ મહાપાલિકાની કમિશનર સાથે ખાસ બેઠક
કરી મંજુરી મેળવી લેતાં ગેરકાયદે બાંધકામો બેરોકટોક ચાલી રહ્યાં છે. ગરીબોના મકાનો ઉપર બૂલડોઝર ફેરવતા જાડી ચામડીના ‘હપ્તા’ ઉઘરાવતા અધિકારીઓ ધારાસભ્ય સામે કેમ ઘૂંટણિયે પડી ગયા છે. મંજુરી લઇ 8 શો-રૂમ ખડકી દીધા છે તે ઉપરાંત 10 બંગલાઓનું કામ પણ છાનેખુણે શરૂ કરી દેવામાં આવ્યું છે.આ વિવાદી બાંધકામનો પ્લાન રેસીડેન્સીયલ તરીકે મુકાયો છે. અને સ્થળ પર કરોડો રૂપિયા ઉપજી શકે તેવા કોમર્શિયલ શો-રૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. મનપાએ ડિમોલિશનની નોટિસ આપી હોવા છતાં બાંધકામ ચાલુ હોવા પાછળ મનપાની જ ભ્રષ્ટ ઓથ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના ભાવનગર રોડ પરથી સંતકબીર મેઇન રોડ જ્યાંથી શરૂ થાય છે ત્યાં માર્જિનની જગ્યા છોડ્યા વગર ત્રણ માળનું એક કોમર્શિયલ કોમ્પલેક્સ ખડકાઇ રહ્યું છે. અગાઉ સામાકાંઠે ભાજપના જ બે જૂથ વચ્ચે ચાલતી આંતરિક લડાઇમાં આ વિવાદી કોમ્પલેક્સ છીંડે ચડી ગયું હતું. પરંતુ ઉચ્ચ અધિકારીએ મોટો તોડ કરી મંજુરી આપી દીધી છે. સવાલ એ છે કે નોટિસ આપવામાં આવી છે તે નોટીસની મુદ્દત પણ પૂરી થઇ જવા છતાં ડિમોલિશન થવાની વાત દૂર રહી ઉલટાનું કામ ધમધમી રહ્યું છે. વિવાદિત બિલ્ડિંગ સામે હાઇકોર્ટમાં રિટની તૈયારી
સંતકબીર રોડ ઉપર ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો એક વાર ડિમોલીશન થઇ ગયા બાદ ફરીથી મંજુરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ મામલે કમિશનરે કોઇ પગલા નહીં ભરતાં હાઇકોર્ટમાં રીટની તૈયારી કરવામાં આવી છે બે દિવસમાં બે પીટીશન કરી દેવામાં આવશે. ગેરકાયદે બાંધકામ હોવાનો
સાગઠિયાએ સ્વીકાર કર્યો
બાંધકામ પ્લાન રેસીડેન્સિયલ હોવાનું ખુદ મહાપાલિકાના જ ટીપીઓ એમડી સાગઠીયાએ જ સ્વીકારે છે ત્યારે અહીં સવાલ એ છે કે દેખીતી રીતે જ બાંધકામ કૌભાંડ સામે હોવા છતાં ડિમોલિશનના પગલાં ન લેવાતા હોવા પાછળ કાં તો પ્રોટેક્શન મની અથવા મનપાની જ ભ્રષ્ટ ઓથ હોવાથી શંકાને નકારી શકાય તેમ નથી. ધારાસભ્યનો બફાટ: મારું કોઇ કાંઇ.. ન કરી શકે
ગેરકાયદે બાંધકામોની મંજૂરી લઇ ધારાસભ્યે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે એક બેઠકમાં પોતાના મળતિયાઓને જણાવ્યું હતું કે ગેરકાયદે કામો કરવાની મંજુરી હું ઉપરથી લઇને આવ્યો છું કામો ચાલુ કરી દો... મારૂં કોઇ કાંઇ નહીં કરી શકે આવો તાપ હાલ ધારાસભ્યમાં આવી ગયો છે. વોર્ડ નંબર-13માં વિવાદિત બિલ્ડિંગનું કામ શરૂ કરાયું
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાનો ‘વહીવટ’ નહી થતાં દોઢ વર્ષ પહેલા ગેરકાયદે બિલ્ડીંગ ઉપર ડિમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનરે જ આ બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો ત્યારે ફરી આ વિવાદીત બાંધકામ શરૂ કરવા પાછળ ક્યાં નેતાની ભલામણ છે? કમિશનર રાજકોટમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો સામે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે.