શિવસેનાને હવે ‘દેશદ્રોહી’ ક્ધહૈયાકુમાર સારો લાગે છે!January 17, 2019

પોતાની રાજકીય રોટલી શેકવા માટે રાજકીય પક્ષો અને રાજકારણીઓ છેક છેલ્લી કક્ષા સુધી જતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના સાથીદાર એવા શિવસેના માટે આ ઉક્તિ બરાબર લાગુ પડી રહી છે.
છેલ્લા એક વર્ષથી શિવસેના સતત ભાજપનો વિરોધ કરી રહી છે અને સાથે સત્તામાં પણ બેસી રહી છે. અગાઉ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે 2017માં ભાજપ સામે લડવા માટે શિવસેનાએ છેક ગુજરાતથી હાર્દિક પટેલની આયાત કરી હતી. શિવસેનાની ગણતરી હતી કે હાર્દિકને કારણે મુંબઈમાં તેમને ગુજરાતીઓના અને ખાસ કરીને પટેલોના મત મળશે, પરંતુ તેમની આ ગણતરી ઊંધી પડી અને શિવસેના માંડ માંડ પાલિકા પર ભગવો ઝંડો ફરકાવી શકી અને તે પણ ભાજપના જ ટેકાથી. આ વાત શિવસેનાથી હજમ થઈ નથી. બસ ત્યારથી જ સેના ભાજપ વિરુદ્ધ બોલવાનો એક પણ મોકો છોડતી નથી. અનેક વખત સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ચીમકી આપી અને યુતિ તોડવાની જાહેરાત પણ કરી દીધી. આ બધું હજુ પણ ચાલે, પરંતુ હવે હદ ત્યારે થઈ ગઈ જ્યારે શિવસેના ખુલ્લેઆમ જેએનયુ કેસમાં જેમની સામે દેશદ્રોહનો આરોપ લગાડવામાં આવ્યો છે તેના વખાણ કરવા માંડી.
તાજેતરમાં જ શિવસેના દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ક્ધહૈયાકુમાર તો યુવાઓનો નેતા છે, તે તો આ દેશના બેરોજગાર યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ભાષણ પણ સારું આપે છે. વળી જો તે અફઝલ ગુરુ સંબંધે કંઈ બોલ્યો હોય તો પણ ભાજપે આ આખા વિવાદને રાજકીય રંગ ન આપવો જોઈએ કેમ કે અફઝલ ગુરુને સ્વાતંત્ર્યવીર માનનારા મહેબૂબા મુફતી સાથે ભાજપ તો સત્તામાં ભાગીદાર હતો. સેનાનું આ વિધાન ખૂબ જ આશ્ર્ચર્યજનક છે અને સ્વ. બાળાસાહેબની નીતિઓ વિરુદ્ધનું છે. બાળાસાહેબનું એક વ્યક્તિત્વ હતું કે જે વાત ના ગમે તેની જ ટીકા હોય અને એક દુશ્મનની ટીકા કરવા માટે બીજા દુશ્મનના વખાણ કરવા એ સ્વ. બાળાસાહેબ ક્યારેય કરે પણ નહીં અને પોતાના શિવસૈનિકોને કરવા દે પણ નહીં. શિવસેના આ બધું કરી રહી છે ભાજપ પર દબાણ આણવા માટે અને જો યુતિ થાય તો વધુ બેઠકો અંકે કરવા માટે, પણ આ માટે આ હદ સુધી જવું વાજબી નથી. ભાજપનો વિરોધ કરવો, મોદીની નીતિઓનો વિરોધ કરવો, મહારાષ્ટ્રની સરકારમાં બરાબરના ભાગીદાર હોવા છતાં રાજ્ય સરકારનો પણ સતત વિરોધ કરવો એ બાબત સમજી શકાય છે કે રાજકારણમાં બે દળ ભલે સાથે હોય, પરંતુ કેટલાક મુદ્દે મતમતાંતર હોઈ શકે છે અને રાજકારણમાં એ સ્વીકાર્ય પણ છે, પરંતુ માત્ર સત્તાની લાલસા ખાતર કે ચૂંટણીમાં યુતિ કરવા માટે યા વધુ બેઠકો મેળવવા માટે કોઈ પક્ષ એક દેશદ્રોહના આરોપીની સાથે થાય એ વિવશતા છે.
હાર્દિક પટેલ હોય કે ક્ધહૈયા કુમાર એમનું આ દેશના વિકાસમાં કોઈ યોગદાન નથી. હાર્દિક પાટીદારોમાં અને પટેલોમાં વિભાજન કરીને આગળ આવ્યો છે તો બીજો જેએનયુ જેવી સંસ્થાઓમાં દેશવિરોધી નારાઓ આપીને આગળ આવ્યો છે. બંને જણ કોઈ યુવા ભારતીયના રોલ મોડેલ હોઈ શકે નહીં, તમે ભાજપનો વિરોધ કરો, કોઈ સંગઠન, કોઈ સંસ્થા, કોઈ પક્ષ કે વ્યક્તિનો વિરોધ કરો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ જ્યાં દેશની વાત આવે છે ત્યાં રાજકારણ બંધ કરી દો, નહીંતર જનતા તમને ઉખાડીને ફેંકી દેશે. બીજું જે ક્ધહૈયાકુમારની આડમાં તમે ભાજપ પર હુમલો કરી રહ્યા છો તેનું મહારાષ્ટ્રમાં કોઈ વજૂદ નથી, આને કારણે તમને કોઈ મત મળવાના નથી, હા તમારા મત ઓછા જરૂર થઈ શકે છે. આથી ભાજપનો વિરોધ કરવા માટે છેલ્લી પાટલીએ બેસવા કરતાં શિવસેનાએ પોતાના માટે કંઈ નક્કર વિચારવું જોઈએ.