પારો 4 ડિગ્રી ઊંચકાતા ઠંડી ગાયબJanuary 17, 2019

 નલિયામાં મિનિમમ ટેમ્પરેચર ફરી 12.2 ડિગ્રી, રાજકોટમાં પણ બે ડિગ્રીનો વધારો પવન શાંત થતાં ઠંડીનો ચમકારો શાંત, સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર પહોંચ્યું
રાજકોટ તા.17
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનાં નવા રાઉન્ડની આગાહી વચ્ચે આજે પારો ચાર ડિગ્રી જેટલો ઉંચકાતા ઠંડી ઉલ્ટાની ગાયબ થઇ જવા પામી છે. ગઇકાલે 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ધ્રુજી ઉઠ્યું હતું. પરંતુ આજે પારો ચાર ડિગ્રી અધ્ધર ચઢતા નલિયામાં લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી થઈ ગયું છે.
બીજીતરફ રાજકોટ સહિત તમામ સેન્ટરોમાં તાપમાન ઉંચકતા આજે મિનિમમ તાપમાન 12 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.
ગઇકાલે તાપમાન ગગડ્યું હતું. સવારે તીવ્ર ઠારનો અનુભવ થયો હતો. પરંતુ ગઇકાલે બપોર બાદ હવામાનમાં ફેરફાર નોંધાયા હતા. કાલે બપોરના સમયે જાણે ઉનાળો હોય તેવો અનુભવ સૌરાષ્ટ્રવાસીઓએ કર્યો હતો. આજે સવારે નોંધાયેલા મીનીમમ ટેમપરેચર પ્રમાણે રાજકોટમાં બે ડિગ્રીનો વધારો થતા લઘુતમ તાપમાન 12.7 ડિગ્રીએ પહોંચી ગયું છે. સૌથી વધુ ફેરફાર નલિયામાં જોવા મળ્યું છે. નલિયામાં ગઇકાલે 8.8 ડિગ્રી મિનિમમ તાપમાન રહ્યું હતું. જે આજે ચાર ડિગ્રી વધીને 12.2 ડિગ્રી થઇ જવાથી ઠંડી ગાયબ થઇ ગઇ હતી. અન્ય સેન્ટરોમાં પણ તાપમાન ઉંચકાયું છે. આજે ભાવનગરમાં 14 ડિગ્રી, પોરબંદર 13.1 ડિગ્રી, વેરાવળ 17.8 ડિગ્રી, દ્વારકા 17.8 ડિગ્રી, ઓખા 20.7 ડિગ્રી, ભુજ 16ે4 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.3 ડિગ્રી, ન્યું કંડલા એરપોર્ટ 16.2 ડિગ્રી, દીવમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.