મોદીને મળેલા કોટલર એવોર્ડથી વિપક્ષોને વાંધોJanuary 16, 2019

નવી દિલ્હી: ઉત્કૃષ્ટ નેતાગીરી અને દેશની નિસ્વાર્થ સેવા કરવા બદલ પીએમ મોદીને ફિલિપ કોટલર પ્રેસિડન્સિયલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ફિલિપ કોટલર પેસિડેન્સિયલ એવોર્ડથી સન્માનિત થનાર પીએમ મોદી પહેલા વ્યક્તિ છે. આ એવોર્ડ પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ પર કેન્દ્રિત છે. પીએમને મળેલા પ્રશસ્તિપત્રમાં કહેવાયું કે દેશને ઉત્કૃષ્ટ નેતૃત્વ પ્રદાન કરવા માટે પીએમ મોદીને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પીએમ મોદીને મળેલા ફિલિપ કોટલર પ્રેસિડેન્સિયલ એવોર્ડ પર ટોણાં મારતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એવોર્ડ એટલો મશહૂર છે કે તેના કોઈ જ્યૂરી નથી. આ પહેલાં આ એવોર્ડ કોઈને અપાયો હોય તેવું જાણમાં નથી. અલીગઢની એક ગુમનામ કંપની એવોર્ડની પ્રાયોજક છે. તેના ભાગીદાર પતંજલિ અને રિપબ્લિક ટીવી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પીએમને ટોણો મારતાં કહ્યું કે પરમ આદરણીય વડા પ્રધાનને અદ્વિતીય, અનોખો, અને અદ્ભુત એવોર્ડ પર મળવા બદલ કોટી કોટી અભિનંદન. રાહુલના ટ્વિટ પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે બહુમૂલ્ય, એક એવા વ્યક્તિ તરફથી આવ્યું છે કે જેમના મહાન પરિવારે તેમના પોતાનાને ભારત રત્ન આપવાનો ફેંસલો કર્યો. પ્રોફેસર ફિલિપ કોટલર નોર્થવેસ્ટર્ન યુનિર્વિસટી, કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં માર્કેટિંગના વિશ્વ પ્રસિદ્ધ પ્રોફેસર છે.
બીમારીને કારણે પથારીવશ હોવાથી કોટલરે અમેરિકાના જ્યોર્જિયામાં ઈમોરી યુનિવરસિટીના ડો. જગદીશ શેઠને પીએમ મોદીને એવોર્ડ આપવા માટે ભારત મોકલ્યા હતા. દર વર્ષે ઉત્કૃષ્ટ નેતાગીરી અને દેશની નિસ્વાર્થ સેવા કરનાર કોઈ દેશના નેતાને આ એવોર્ડથી સન્માનિત કરાય છે.