મતદારોનો ડિજિટલી ટેસ્ટ: પક્ષો હાઇટેકJanuary 16, 2019

ચૂંટણીઓ હવે હાઈટેક બનતી જાય છે. એજ રીતે ચૂંટણીપ્રચાર પણ ઈન્ટરનેટ આવતા વધુને વધુ હાઈટેક બની રહ્યો છે. એ જમાના ગયા જ્યારે ઈન્ટરનેટ ન હતું. હતા માત્ર અખબારો. જેમાં ઉમેદવારોના વિકાસ કાર્યો કે ખરા અર્થમાં જે સમાચાર હોય તે જ પ્રગટ થતા. ચૂંટણીપ્રચાર માટે તો ચોપાનિયાં, મોટા મોટા બેનરો, શેરીસભાઓ યોજાતી. નુક્કડ પર મંચ ઊભો કરવામાં આવે. ઉમેદવાર વચ્ચે વચ્ચે ઘોંઘાટ- અવાજ કરતા માઈક પર ભાષણ કરે. ભાષણને અંતે મતદારોના આકરા સવાલોના જવાબો આપવા પણ તૈયાર રહેવું પડે.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની એટલી પ્રચંડ અસર જોવા મળે છે કે ક્ષણવારમાં મેસેજ લાખો લોકો સુધી પહોંચી જાય. મેસેજ પોઝિટિવ હોય કે નેગેટિવ. ટેકનોલોજીને એની પરવા નથી. આમ ચૂંટણીનો અપ પ્રચાર પણ થઈ શકે છે. ડિજિટલાઈઝેશનના આવા ગેરફાયદા પણ છેય યાદ છે ને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણીપ્રચાર માટે ફેસબુકનો કેવો ઉપયોગ કર્યો હતો તે?!
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોસેવી છે. તેઓ ડિજિટલ યુગના હિમાયતી પણ છે. નવી ટેકનોલોજીનો ભારતમાં ભરપૂર ઉપયોગ થાય એવું તે ઈચ્છે છે. બરાક ઓબામા અને ડોનલ્ડ ટ્રમ્પ પછી મોદીજી વિશ્ર્વના ત્રીજા એવા નેતા છે જેઓને સૌથી વધુ ટ્વીટ કરે છે. મોદીના 44.5 મિલ્યન ફોલોઅર્સ છે. આ તેઓ પોતે- જાતે ટ્વિટર એકાઉન્ટ સંભાળે છે. બાકી વડા પ્રધાન તરીકેના એકાઉન્ટમાં તેમના 27 મિલ્યન ફોલઅર્સ છે. મોદીનું ફેસબુક પેજ 44 મિલ્યન લાઈક્સ છે અને યુટ્યુબ ચેનલ પર 161 મિલ્યન વાર જોવામાં આવતા હોવાના આંકડા છે.
આ પ્રકારે પબ્લિક પ્લેટફોર્મ પર મોદીના પ્રતિસ્પર્ધી- કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પ્રમાણમાં નવાસવા છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા માટે કેમ્પેઈન ટીમ બનાવી છે. રાહુલ ગાંધી ટ્વિટર પર આઠ મિલ્યન ફોલોઅર્સ ધરાવે છે. ફેસબુક પર તેમના 2 મિલ્યન ફોલઅર્સ છે અને યુટ્યુબ ચેનલ વ્યૂઅર્સ 3 મિલ્યન જેટલા છે. મોદીને જાણ છે કે સાશિયલ મીડિયા અને પબ્લિક પ્લેટફોર્મ પર મતદારોના ડિજિટલી દિલ જીતી શકશે. સરકારી કાર્યો, વિકાસ ગાથાઓને વહેતા મૂકી શકાશે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આજે જ્યારે બધું જ ઓનલાઈન થઈ ગયું છે ત્યારે ઑનલાઈન ચૂંટણીપ્રચાર કેમ ન કરવો? વડા પ્રધાન બન્યા પછી પણ મોદીએ ડિજિટલ વર્લ્ડને પ્રાધાન્ય આપ્યું. હમણા હમણા મોદીજીએ ભાજપના સાંસદોને થથરાવી મૂક્યા છે. નમો ઍપ પર તેમણે પ્રજા પાસેથી- મતદારો પાસેથી તેમના મત વિસ્તારના ત્રણ લોકપ્રિય નેતાઓના નામ માગ્યા છે. પિપલ્સ પલ્સ - એટલે કે પ્રજાની નાડ નામનો આ સર્વે અગામી ચૂંટણીઓ માટે લાયક ઉમેદવારો શોધી આપવામાં મદદરૂપ થશે. મોદીએ તેમના સાંસદોને કેન્દ્રની યોજનાઓથી સંપૂર્ણપણે વાકેફ રહેવા તેમ જ નમો ઍપ સાથે સતત કનેકટ રહેવા જણાવ્યું છે.
મોદીજીએ પ્રજાને ટ્વિટર પર પણ અનુરોધ કરતા ત્રણ લોકપ્રિય નેતાઓના નામ આપવાનું દોહરાવ્યું છે. મોદી કહે છે: તમારું ફીડબેક મૂલ્યવાન છે. અહીં મૂળ વાત મોદીજીના ભાજપ કે વિરોધ પક્ષ કોંગ્રેસની નથી. મૂળ મુદ્દોે ઈન્ટરનેટના આવવાથી યુગ પલટાઈ ગયો છે એની છે. અગાઉ જે કામ નનોટ થતું હતું તે હવે નેટથી થાય છે. ઈન્ટરનેટથી દિલ્હીમાં બેઠા બેઠા હૈદરાબાદના પોતાના કાર્યકરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી શકાય છે. ટીવી પર પ્રોડ્ક્ટોની આવતી જાહેરખબરોને જોઈને લોકો એ પ્રોડ્ક્ટ ખરીદે એ કદાચ જરૂરી નથી, પરંતુ સતત હેમરિંગ કરતા રહેવાથી લોકોના દિમાગ પર એ પ્રોડ્ક્ટ છવાયેલી રહે છે. એવું જ ચૂંટણીપ્રચારમાં કે અન્ય કોઈ રાજકીય બાબતમાં પણ બની શકે. ઑનલાઈન- સોશિયલ મીડિયા પર સતત પ્રચારનો મારો ચલાવતા રહેવાથી કદાચ મતદારોનું વિચાર પરિવર્તન શક્ય બને ખરું.