દૂધ મંડળીનાં મંત્રીનું દોઢ લાખનું ‘દરણું’January 16, 2019

ચોટીલા તા.16
દુધેલી દૂધ મંડળીના ચુકવણાના દોઢ લાખની રકમ બેંકમાંથી લઈ ચોટીલા આણંદપુર રોડ ઉપર આવેલ લોટની ઘંટીએ દરણુ લેવા જતાં થેલી નીચે મુકતા ગઠીયો દોઢ લાખની થેલી ઉઠાવી ભાગી છૂટતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા ડુંગર પાછળ આવેલ દૂધેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી હાજાભાઈ જીવાભાઈ ખાંભલા મંગળવારના બપોરના ચોટીલા એસબીઆઈમાંથી મંડળીના ખાતામાં જમા થયેલ દોઢ લાખ રૂપિયા ઉપાડીને જતાં હતા. રસ્તામાં આણંદપુર રોડ નજીક આવેલ લોટની ઘંટીએ દળણું લેવા જતાં નાણા ભરેલી થેલી નીચે મુકતા પાછળથી કોઈ ગઠીયો થેલી ઉપાડી નાશી જતાં મંત્રી બે બાકળા થઈ ગયેલા હતા અને પોલીસને જાણ કરી હતી.
ચીલઝડપની ઘટનાની જાણ થતા ઈન્ચાર્જ પી.આઈ.એમ.સી.વાળા, પી.એસ.આઈ. એચ.એલ.ઠાકર તથા સ્ટાફના માણસો ધસી ગયેલ હતા. ધોળા દિવસે ધમધમતા આણંદપુર રોડ ઉપર દોઢ લાખની મતા ઉઠાવી છૂમંતર થઈ ગયેલ ગઠીયાને સોધવા તપાસ હાથ ધરી છે અને બનાવને પગલે મંત્રી લૂટાયાની ચર્ચાએ જોર પકડયું હતું.
સીસીટીવીમાં શકમંદ
ચીલઝડપના બનાવ બાદ પોલીસ એકશન મોડમાં આવેલ અને ભોગ બનનાર જે સમયે બેંકમાં ગયેલ તે સમયના સીસીટીવી ફુટેજ નિહાળતાં શકમંદ બેંકથી તેઓની પાછળ હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. તેમજ અન્ય સ્થળેથી પણ સીસીટીવી ઉપરથી હાલ તપાસ શરૂ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.