શિયાળામાંજ પાણીની મોંકાણ; વિફરેલી મહિલાઓનો પંચાયત કચેરીમાં હલ્લાબોલJanuary 16, 2019

 વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણીની સમસ્યા મુદ્દે ગૃહિણીઓની રોષ પૂર્ણ રેલી; રજુઆત
વાંકાનેર તા.16
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામેં આજે મહિલાઓએ ગ્રામ પંચાયતની ઓફિસે હલાબોલ કરી ભારે હંગામો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ થોડા દિવસથી ચંદ્રપુરમાં પાણીની ભારે તકલીફ ઊભી થઈ છે કેટલાક દિવસથી ચંદ્રપુર ગામ માં પાણી મળતું નથી જેથી આખરે સહનશક્તિની હદ પૂરી થતા ગામની મહિલાઓ એક મોટું ટોળું ગ્રામ પંચાયત કચેરી ખાતે ધસી ગયું હતું અને અમને પાણી આપો ના નારા સાથે ભારે હંગામો મચાવ્યો હતો. જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી આ મહિલાઓ ટસની મસ થવા તૈયાર ન હતી અને જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી ઓફિસમાંથી બહાર નીકળવાની સ્પષ્ટ ના પાડી દીધી છે જેમના કારણે તંત્ર ભારે દોડતું થઇ ગયું છે.
ગ્રામ પંચાયતમાંથી મળતી માહિતી મુજબ તેઓએ જણાવેલ કે ઉપરથી નર્મદાની પાણીની લાઇનની રિપેરિંગની કામગીરી ચાલુ હોય પાણી મળેલ નથી માટે આ પ્રશ્ન સર્જાયો છે પરિસ્થિતિ ગમે તે હોય પણ લોકોને પાણી વગર ન ચાલે એટલે આખરે આ ચંદ્રપુર ગામની મહિલાઓ મેદાનમાં ઉતરી છે અને પાણીના પોકાર સાથે તંત્ર દોડતું કરી દીધું છે. પાણી પુરવઠાના અધિકારીઓ સાથે વાતચીતમાં તેઓએ જણાવેલ કે આગામી બે દિવસમાં પાણીની લાઈન ચાલુ થઈ જતાં વાંકાનેરના દરેક વિસ્તારમાં પાણી પહોંચતુ કરવામાં આવશે.