ફેસબુક પર મરે છે રોજના 8 હજાર લોકો!January 30, 2019

 સદીના અંત સુધીમાં ફેસબુક પર જીવતા માણસો કરતા
મૃતકોના વધુ એકાઉન્ટ હોવાની દહેશત
નવીદિલ્હી તા,30
ફેસબુક પર રોજના 8 હજાર લોકો મરી રહ્યા છે. આ સદીના અંત સુધીમાં ફેસબુક વિશ્વનું સૌથી મોટું વર્ચ્યુઅલ કબ્રસ્તાન બની જશે. કારણ કે તેના પર જીવતા લોકો કરતા મરેલા લોકોની પ્રોફાઈલ વધુ હશે. ફેસબુક વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક માત્ર પ્લેટફોર્મ છે કે જેના યુઝર્સની સંખ્યા 2 અબજથી વધુ છે. અન્ય પ્લેટફોર્મમાં ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ, રેડીટ વગેરેનો સમાવેશ થાય છે. વોટ્સએપના યુઝર્સની સંખ્યા 1.5 અબજની છે. જ્યારે ઇન્સ્ટાગ્રામની સંખ્યા 1 અબજની છે. 33.6% લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. આ તમામ પ્લેટફોર્મમાંથી કરોડો યુઝર્સ ભારતના છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સમય વિતાવતા લોકો વિચારે છે કે તેમના મૃત્યુ પછી ડિજિટલ ખાતાનું શું થશે. ડિજિટલ પ્લેટફોર્મ પર યુઝર્સના મૃત્યુ બાદ તેના એકાઉન્ટની ખાનગી તસવીરો, વીડિયો, ફેન્ડની પોસ્ટ વગેરે ડિજિટલ સંપત્તિ તેના પરિવારને આપવાની જરૂરિયાત અંગેનો ખ્યાલ કેવી રીતે આવે. ટોચના સાઈબર એક્સપર્ટ પવન ડુંગલ કહે છે કે કોઈના મૃત્યુ બાદ તેના ઈમેલ, સોશિયલ એકાઉન્ટ વગેરે સ્થળાંતરણીય સંપત્તિ છે અને સંબંધિત વ્યક્તિના વારસદારને તે ચલાવવાની મંજૂરી આપી શકાય છે.
ફેસબુક તેના યુઝર્સને એક વસિયત કરાર કરવાની મંજૂરી આપે છે. આ હેઠળ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ તેનું એકાઉન્ટ ચલાવવાની મંજૂરી પરિવારના કોઈ સભ્ય કે મિત્ર પાસે હોઈ શકે છે. વારસાઈ સંબંધિત કરાર હેઠળ મૃતકનું વારસદાર તેના ફેસબુક એકાઉન્ટની ટાઈમ લાઈન પર એક પોસ્ટ પણ લખી શકે છે.
જો આ પોસ્ટને લાઈક કરે તો તેને મૃતકના ખાતાનો ફોટા પોસ્ટ અને પ્રોફાઈલની માહિતી ડાઉનલોડ કરવા વારસદારની મંજૂરી લેવી પડે. જો કે વારસ મૃતકના એકાઉન્ટમાં લોગઈન કરી શકે નહીં. ઈન્સ્ટાગ્રામ મૃતકોના એકાઉન્ટ સ્થગિત કરી દે છે
ગૂગલમાં એક ખાસ ફીચર હોય છે. જ્યારે ટ્વિટર એકાઉન્ટ એક્સેસની મંજૂરી આપતું નથી. ઇન્સ્ટાગ્રામ કોઈપણ યુઝરના મૃત્યુ બાદ તેના એકાઉન્ટને સ્થગિત કરી દે છે પરંતુ મૃતકના એકાઉન્ટમાં ન તો કોઈ વ્યક્તિ લોગ ઇન કરી શકે છે કે ન તો કોઈ પ્રકારનો ફેરફાર કરી શકે છે. આ માટે ઇન્સ્ટાગ્રામ મૃતકના કોઈ સંબંધિત કે દોસ્ત પાસેથી તેના મૃત્યુની માહિતી લઈ ડેથ સર્ટિફિકેટ માગે છે. બીજી બાજુ એપલ, આઈક્લાઉડ અને આઈટ્યુન નોન ટ્રાન્સફરેબલ હોય છે. એટલે કે યુઝરના મૃત્યુ બાદ આ એકાઉન્ટને કોઈપણ એક્સેસ કરી શકતું નથી. ગૂગલની સર્વિસ જેવી કે જીમેલ, યુટ્યુબ અને પિકાસા વેબ આલબમમાં ઈન એક્ટિવ એકાઉન્ટ મેનેજરનું ફીચર હોય છે. જેની મદદથી કોઈ યુઝર પોતાના મૃત્યુ બાદ તેના દોસ્ત કે સંબંધીને નોમિની બનાવી શકે છે.