ભારતમાં ચૂંટણી પછી નવી સરકાર સાથે વાત: પાકિસ્તાનJanuary 29, 2019

 હાલ કોઇ નેતા મોટો નિર્ણય લઇ શકે તેમ નથી
ઇસ્લામાબાદ તા.29
પાકિસ્તાને એકવાર ફરીથી ભારત સાથે વાતચીત શરૂ કરવા પર ભાર મુક્યો છે. ઇમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, ભારતની સાથે હાલ ચર્ચા-વિચારણા કરવાનો યોગ્ય સમય નથી, તેથી અમે લોકસભા ચૂંટણી બાદ જ વાતચીત કરવા માટે તૈયાર છીએ. આ પહેલાં ખુદ ઇમરાન ખાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાંતિ વાર્તાનું આમંત્રણ આપી ચૂક્યા છે. પરંતુ આતંકવાદ પર કાર્યવાહી નહીં કરવા માટે ભારત તરફથી પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.ુ
પાકિસ્તાન સરકારમાં સુચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, ભારતમાં ચૂંટણીના કારણે કોઇ નેતા મોટો નિર્ણય લઇ શકે તેમ નથી. તેથી અમે લોકસભા ચૂંટણી બાદ અમારી વાતચીતના પ્રયત્નોને આગળ વધારીશું. પાકિસ્તાન માટે ક્યા નેતા સાથે શાંતિવાર્તા કરવી યોગ્ય રહેશે? આ સવાલના જવાબમાં ફવાદે કહ્યું કે, આનાથી કોઇ ફરક નથી પડતો કારણ કે, જે પણ સત્તામાં આવશે અમે તેમની સાથે વાતચીતના પ્રયત્નો કરીશું. તેઓએ કહ્યું કે, બંને તરફથી સ્થિરતા જરૂરી છે, ત્યારબાદ જ સંબંધોમાં સુધાર આવી શકે છે.
ચૌધરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કરતારપુર કોરિડોર ખોલવાથી બંને દેશોના સંબંધો શ્રેષ્ઠ બનશે. આનાથી શીખોને મદદ મળશે ઉપરાંત દ્વિપક્ષિય સંબંધોને પણ ફાયદો થશે.