મેડિકલમાં આ વર્ષથી નહીં મળે સવર્ણ અનામતJanuary 28, 2019

નવા માપદંડ નક્કી કરવામાં એમસીઆઇને સમય લાગી જશે
નવી દિલ્હી તા.28
સામાન્ય વર્ગના ગરીબોને મેડિકલ કોલેજોમાં 10 ટકા અનામત માટે એક વર્ષથી વધુનો ઇંતેજાર કરવો પડશે. આ વર્ષે એટલે કે 2019-20ના સત્રમાં એમબીબીએસ, બીડીએસ, એમડી અને એમએસ કોર્સમાં એસસી/એસટી/ ઓબીસી તથા દિવ્યાંગોને જ અનામતનો લાભ મળશે. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક ઉચ્ચ સૂત્રએ એવી માહિતી આપી છે કે, સામાન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની તુલનામાં મેડિકલ કોલેજોમાં સીટ વધારવાની પ્રક્રિયા ખુબ જ જટિલ બની ગઈ છે અને તેના માટે એમસીઆઈમાં અરજી આપવી પડે છે.
એમસીઆઈ કોલેજની સંરચના, વ્યવસ્થા, શિક્ષકોની સંખ્યા અને દદઓની ઉપલબ્ધતાની તપાસ કર્યા બાદ કોલેજમાં કેટલી સીટ આપવી છે તેનો નિર્ણય કરે છે. આમ, 10 ટકા અનામત માટે ચાલુ વર્ષે મેડિકલ કોલેજોમાં સંવર્ણોને આરક્ષણ મળશે નહી. એક અન્ય વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી છે કે, એમસીઆઈએ હવે નવા માપદંડ નકકી કરવા પડશે. કોઈપણ કોલેજમાં અધિકત્તમ 250 સીટો માટે જ એમસીઆઈએ માપદંડ નકકી કર્યા છે. આજના સમયમાં એવી અનેક કોલેજો છે જ્યાં પહેલાંથી જ 250 સીટોને મંજૂરી અપાઈ ગઈ છે. આવી સ્થિતિમાં અહી 25 ટકા સીટ વધારવા માટે એમસીઆઈએ હવે નવા માપદંડ નકકી કરવા પડશે અને આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી જશે.
આ બધા પડકારો વચ્ચે સામાન્ય વર્ગના આર્થિકરૂપથી પછાત વિદ્યાર્થીઓને એકેડેમી વર્ષ 2020-21થી લાગુ કરવાનો નિર્ણય થયો છે. આમ, એક વર્ષથી વધુ સમય સુધી 10 ટકા અનામતવાળાઓએ રાહ જોવી પડશે. સામાન્ય રીતે મેડિકલ કોલેજોમાં સીટોની મંજૂરી માટે અરજી એક વર્ષ પહેલાંથી જ શરૂ થઈ જાય છે અને આ વર્ષે આ બધી પ્રક્રિયા હવે સમાપ્ત થવામાં છે માટે નવા માપદંડો નકકી થશે.