બ્રાઝીલમાં ડેમ તૂટતાં 50નાં મોતJanuary 28, 2019

 લોખંડની ખાણમાં કામદારો ભરેલી બસ કાદવમાં ખૂંપી
 366ને બચાવાયા, 300થી વધુ લોકો
હજુ લાપતા
બ્રુમાડિન્હો તા.28
બ્રાઝિલના બ્રુમાડિન્હો શહેર નજીક ફૈજો કાચા લોખંડની ખાણ નજીક આવેલો બંધ શુક્રવારે બપોરે સ્થાનિક સમય પ્રમાણે 1 કલાકે ધરાશાયી થતાં આવેલાં પાણી અને કાદવના પૂરમાં ઓછામાં ઓછા 50નાં મોત થયાં હતાં અને 300થી વધુ લોકો લાપતા બન્યાં છે. શંકા છે કે કાદવના પૂરમાં સેંકડો લોકો જીવતાં દટાઇ ગયાં છે.
આ બંધ તૂટી પડવાના કારણે નદી પર હેઠવાસમાં આવેલો બંધ પણ છલકાઇ ગયો હતો. બંધ ધરાશાયી થવાના કારણે ખાણની નજીકમાં આવેલી કામદારોની વસાહતો અને ખેતરોમાં પૂર અને કાદવ ફરી વળ્યાં હતાં. અહેવાલો પ્રમાણે દુર્ઘટનાની ચેતવણી આપતી સાયરન નિષ્ફળ જવાના કારણે સેંકડો લોકો અચાનક આવેલી આફતનો ભોગ બન્યાં હતાં. વાલે કંપનીના પ્રમુખ ફેબિઓ શાવર્ત્સમેને જણાવ્યુ હતું કે, હોનારત એટલી ઝડપથી સર્જાઇ હશે કે સાયરન વગાડવાનો સમય જ નહીં મળ્યો હોય. 1976માં નિર્માણ થયેલો આ બંધ આ વિસ્તારમાં આવેલા ઘણા બંધ પૈકીનો એક છે. આ બંધમાં ખાણમાંથી નીકળતો કચરો સંગ્રહ કરાતો હતો. આ બંધની સંગ્રહ ક્ષમતા 12મેટ્રિક ક્યૂબિક મીટર હતી અને છેલ્લા 3 વર્ષથી નિષ્ક્રિય હતો. બંધ ધરાશાયી થવાના કારણે કાદવનું પૂર નજીકની કામદાર વસાહતો પર ફરી વળ્યું હતું.
કામદારો ભરેલી એક બસ પણ કાદવમાં દટાઇ ગઇ હતી. ઇમર્જન્સી સેવાઓ દ્વારા લાપતા લોકોને શોધવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં 366 લોકોને બચાવી લેવાયાં હતાં. ઇજાગ્રસ્ત થયેલાં 23ને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડાયાં હતાં. વાલે કંપનીએ જણાવ્યું હતું કે, અમારા 252 કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટરો લાપતા બન્યાં છે. આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકો અને ખાણની મુલાકાતે આવેલા લોકો પણ લાપતા બન્યાં છે.
બ્રાઝિલની પર્યાવરણ એજન્સી ઇબામાએ વાલે કંપનીને 66.5 મિલિયન ડોલરનો પ્રારંભિક દંડ ફટકાર્યો છે. વાલે બ્રાઝિલની સૌથી મોટી કોલસા કંપની છે. કંપનીએ નુકસાનની ભરપાઇ કરવા માટે 1.6 બિલિયન ડોલરનું ભંડોળ અલગ કરી દીધું છે. બચાવકાર્યમાં અડચણો
આ વિસ્તારની જટિલતાના કારણે બચાવકાર્યમાં અડચણો આવી રહી છે. બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર મૃતદેહો કાદવમાં દટાઇ ગયાં હોવાથી તેમને બહાર કાઢવા અત્યંત મુશ્કેલ છે. કર્મચારીઓને લઇ જતી બસ કાદવમાં દટાયેલી મળી આવી છે પરંતુ તેમાં કેટલા કર્મચારી હતાં તે હજુ સ્પષ્ટ નથી.
ઇઝરાયલની મદદ
બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારોએ જણાવ્યું હતું કે, વ્યાપક સ્તરે વિનાશ થયો છે અને કોઇ સંવેદનશીલ થતાં રોકાઇ શકે નહીં. અમે ઇઝરાયેલ દ્વારા અપાયેલી મદદની ઓફર સ્વીકારી છે. ઇઝરાયેલ દ્વારા મોકલાઇ રહેલા સર્ચ ઇક્વિપમેન્ટ દ્વારા કાદવમાં દટાઇ ગયેલાં લોકોને શોધવાનો પ્રયાસ કરાશે.