અફઘાન પર હુમલામાં US સેનાના વાહનનો ઉપયોગ! મૃતાંક 126January 23, 2019

 મિલિટ્રી બેઝમાં વિસ્ફોટ: આખી ઈમરત ધરાશાયી
કાબૂલ તા.23
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી દક્ષિણ પશ્ચિમમાં 44 કિમી દૂર આવેલા વાર્દાક પ્રોવિન્સની રાજધાની મૈદાન શહરની બહાર આવેલા અફઘાન મિલિટરી બેઝ પર સોમવારે તાલિબાન દ્વારા કરાયેલા ભીષણ હુમલામાં 126નાં મોત થયાં હતાં અને ઓછામાં ઓછા 70ને ઇજા પહોંચી હતી. મૈદાન શહરની બહાર આવેલા લશ્કરી થાણા પર સ્યુસાઇડ બોંબરે વિસ્ફોટકો ભરેલા વાહનથી હુમલો કર્યો હતો. ખાવાનીન સુલતાનીએ જણાવ્યું હતું કે, હુમલામાં 70થી વધુ જવાનોને ઇજા પહોંચી છે. વાર્દાક પ્રોવિન્સની પ્રોવિન્શિયલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ મોહમ્મદ સરદાર બખયારીએ જણાવ્યું હતું કે, સોમવારે અમે બેઝના કાટમાળમાંથી 65 મૃતદેહ ખસેડયાં હતાં. આ હુમલામાં એનડીએસના આઠ સ્પેશિયલ કમાન્ડોના પણ મોત થયાં છે. અફઘાન જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 140 લોકોનાં મોત અને ઘાયલ થયાં છે. તાલિબાને અફઘાન સેના પાસેથી તફડાવેલું અમેરિકી સેનાના વાહનને જ હથિયાર બનાવીને આ હુમલો કર્યો હતો. હુસેનઅલી બાલિઘે જણાવ્યું હતું કે, સોમવારે સવારે 7 કલાકે અમેરિકી સેના તરફથી અફઘાન સુરક્ષા દળોને અપાયેલા હમવી વાહન સાથે સ્યુસાઇડ હુમલાખોરો એનડીએસના થાણામાં પહોંચ્યાં હતાં. આ સમયે થાણામાં 150 એનડીએસ જવાન હાજર હતાં. કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા બાદ સ્યુસાઇડ બોંબરે વિસ્ફોટ કર્યો હતો જેના કારણે થાણાની આખી ઇમારત ધરાશાયી થઇ હતી. ત્યારબાદ હુમલાખોરોએ ગોળીબાર કર્યાં હતાં. સામસામા ગોળીબારમાં બે તાલિબાનના મોત થયાં હતાં. તાલિબાનોએ ચેક નાકાઓ પાર કરવા માટે અમેરિકી વાહનનો ઉપયોગ કર્યો હતો.