ઓસિ. સીરિઝમાં પૂજારાની ત્રીજી સદીJanuary 03, 2019

ઓસ્ટ્રેલિયા સામે પાંચમી, કેરિયરની 18મી સદી
સિડની તા.3
ભારત- ઓસ્ટ્રલિયા વચ્ચે સિરીઝની ચોથી અને છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટ ગુમાવી 303 રન બનાવ્યાં છે. જેમાં પૂજારાના શાનદાર 130 (અણનમ) રન અને મયંકના 77 રનનો અમૂલ્ય ફાળો છે.
જો કે કેએલ રાહુલ ફરી એક વખત નિષ્ફલ રહ્યો હતો. જ્યારે કેપ્ટન કોહલી પણ સિડની ટેસ્ટમાં સસ્તામાં આઉટ થયો હતો. આ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો
નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં બે મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઓપનર કેએલ રાહુલ અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવને રોહિત શર્મા અને ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યા છે.
છેલ્લી ટેસ્ટનાં પહેલા જ દિવસે ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી છે. તેમણે એડિલેડ અને મેલર્બન બાદ સિરીઝમાં આ ત્રીજી વખત સદી ફટકારી હતી. આ સદી પૂજારાની કારકિર્દીની 18મી અને ઓસ્ટ્રલિયા સામેની 5મી સદી છે. પૂજારાએ આ સિરીઝમાં જે પણ ટેસ્ટમાં સદી ફટકારી છે તે ટેસ્ટમાં ટીમે જીત મેળવી છે.
પૂજારા આ સિરીઝમાં ચોથી વખત 200થી વધુ બોલ અને સિરીઝમાં સૌથી વધુ ચાર વખત 200થી વધુ બોલ રમનારા ભારતીય બન્યા છે. તેમણે ગાવસ્કરને પણ પાછળ મૂકી દીધા છે. ગાવસ્કરે 1977/78માં રમાયેલી સિરીઝમાં ત્રણ વખત 200થી વધુ બોલ રમ્યા હતા.