બાબરાના કોટડા પીઠા ગામે કાર હડફેટે ઘવાયેલા બાઈક ચાલકનું મોતJanuary 01, 2019

રાજકોટ તા,1
બોટાદના સરવા ગામના વતની અને બાબરાના કોટડાપીઠા ગામે મજુરી માટે આવેલા યુવાનના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ મુળ બોટાદના સરવા ગામના વતની અને હાલ કોટડાપીઠા ગામે મંજુરી કામે આવેલા રાજેશભાઈ રાવતભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો આહીર યુવાન પોતાનું બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક પુછતાછમાં રાજેશભાઈ રાઠોડ દસેક માસથી કોટડાપીઠા ગામે મજુરી માટે ગયા હતા અને બેભાઈ એક બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.