ઉડાનઃભાવના દોશિઃ લાખ ઉપર ભારી.... ગીતા રબારીJanuary 01, 2019

દેશ દુનિયામાં પ્રવાસ અને સફળતાના શિખર પર રહેવા છતાં પોતાના સમાજ અને જ્ઞાતિના વિકાસ માટે ચિંતિત
રહે છે સફળતા સાથે નિભાવે છે સામાજિક જવાબદારી
ગીતાબહેનની સફળતા જોઇને તેમના જ સમાજના બીજા લોકો પ્રેરણા લે છે પરંતુ ફક્ત કલાકાર બનવા માટે નહીં પરંતુ દીકરીઓમાં શિક્ષણ વધે અને સમાજની દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર બને તે માટે પણ તેઓ માતા-પિતાને સંદેશ આપે છે. ઉપરાંત ડાયરામાંથી જે પૈસા મળે છે તે ગાયના ઘાસચારા, ક્ધયાઓના શિક્ષણ વગેરે માટે વાપરી પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે. વડવાળા મંદિર દૂધરેજમાં રબારી સમાજના લોકોનો સંગીતનો એક કાર્યક્રમ હતો. જેમાં કીર્તિદાન ગઢવી પણ હાજર હતા તેમજ સમાજના જૂના કલાકારો પણ હતા. એક પછી એક કૃતિ રજૂ થઇ રહી હતી અને બીજા રાઉન્ડમાં ર0 વર્ષની રબારી સમાજની દીકરી આવે છે અને પોતાનું એક વિખ્યાત થયેલું ગીત ગાય છે અને સામે ઓડિયન્સમાંથી વાહ વાહ સાથે ‘ગીતા’ ‘ગીતા’ના અવાજો સાંભળવા મળ્યા અને ગીત ગાનાર યુવતી પોતાના જ સમાજ દ્વારા મળેલ પ્રશંસાથી ખુશ થાય છે. આ વાત છે ‘કચ્છની કોયલ’ બિરુદ મેળવેલ ગીતા રબારીની.
આ નામ આમ તો કોઇ માટે અજાણ્યું નથી. ખૂબ જ ટૂંકા સમયના ગાળામાં તેમજ નાની ઉંમરમાં ગીતાએ ખૂબ જ લોકચાહના મેળવી છે.
આમ તો ફક્ત પાંચેક વર્ષથી તેની કેરિયર શરૂ થઇ છે અને ગણતરીના ગીતો ગાઇને પણ તેણે સંગીતની દુનિયામાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તાજેતરમાં તેના ગીત ‘રોણા શેરમા’એ યૂ ટયૂબ પર ધુમ મચાવી, ર0 કરોડથી પણ વધુ વ્યૂઅર્સ મેળવીને રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું છે. જેમાં મિલન સોનીના હસ્તે તેમને સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા છે.
નાનપણથી જ ગાવાનો શોખ ધરાવતી માતાપિતાની એકની એક પુત્રી ગીતાએ જ્યારે ગાવાનું શરૂ કર્યુ ત્યારે સમાજમાંથી વિરોધનો સૂર ઉઠયો હતો. કારણ કે માલધારી સમાજમાં મહિલાઓ માટે બહાર નીકળી કામ કરવું એ કલ્પનામાં પણ કોઇ વિચારી ન શકે ત્યારે ગીતાબહેને પોતાના સૂરોને સ્ટેજ પર સ્થાન આપવા પ્રયત્નો કર્યા હતા. આજે જ્યારે તેમના ગીતો દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે ત્યારે પણ ગીતાબહેને પોતાની સંસ્કૃતિ અને સમાજને છોડયો નથી. ‘એકલો રબારી’ ગાઇને રબારી સમાજની ઓળખ બહારની દુનિયાને કરાવી છે તો ‘મા તારા આશીર્વાદ’ ગાઇને પોતાની શ્રધ્ધા દર્શાવી છે.
માતાપિતાની સાથે પોતાની નાનકડી દુનિયામાં રહેતા ગીતાબહેનને પોતાના સ્વપ્ના વિશે કહ્યું કે, સંસ્કૃતિને સાચવવા માટે કલાકાર જ બની રહેવું છે. ગાવાનું છોડવું નથી અને ગુજરાતી ફિલ્મોમાં ગાવાની ઇચ્છા છે. ગુજરાત મિરર તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.