અમદાવાદ: પોળમાં પતંગ ચગાવવાની અનેરી મજા,January 14, 2019

ઉતરાયણની ગુજરાતમાં ખુબ ધુમધામથી ઉજવણી થાય છે. અમદાવાદની પોળમાં ઉત્તરાયણ ઉજવવાની મજા જ કંઇક અલગ હોય છે. ત્યારે પોળમાં ઉત્તરાયણ ઉજવવાના પણ  પણ પેકેજ રાખવામાં આવ્યા છે. લોકો પોતાના ધાબાને ભાડે આપી રહ્યા છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં ધાબાના ભાડા 10થી 20 હજાર રૂપિયા વસુલવામાં આવે છે. જ્યારે એક વ્યક્તિના ઉતરાયણ ઉજવવાના 1500 રૂપિયા વસુલાય છે. ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઉંધિયા-જલેબીની વ્યવસ્થા કરવામાં આવે છે. 

પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. શહેરના દરિયાપુર, કાલુપુર, ખાડિયા, ગાંધીરોડ. પાંચકૂવા, રિલીફરોડ, રાયપુર સહિત કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણ માટે ધાબાની ડિમાન્ડ છે. 

આ ઉપરાંત કેટલાક ધાબા પર તો 12 વર્ષથી નીચેના બાળકોના 500, 12 થી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે 1700 અને એનઆરઆઇ વ્યક્તિ માટે 2500 રૂપિયા વ્યક્તિદીઠ લેવાનો ટ્રેન્ડ છે. 

નોંધનીય છે કે ગત વર્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પત્ની અંજલી રૂપાણીએ ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી.