બે રજા બેવડી મજા: સંક્રાંત માટે મોકળું ધાબુ ને મોજિલું રાજકોટ બેકાબૂ

આજે રાત પડતા જ પરંપરાગત સદર બજારની પતંગ માર્કેટમાં ભરાશે મેળો: બજારોમાં ધૂમ ખરીદી નીકળી રાત્રે જ ધાબાઓ પર સ્પીકર લાગી જશે, ધાબાઓ બની જશે ડીસ્કો થેક, લંચ અને ડીનર પણ થશે ધાબાઓ પર રાજકોટ: આખુ વર્ષ પતંગરસિયાઓ જેની આતુરતા સાથે રાહ જુએ છે એ ઉતરાયણની ઘડી હવે આવી ગઇ છે. આ વખતે પતંગ રસિયાઓનો ઉત્સાહ અને રોમાંચ બેવડાયો છે કેમકે રવિ અને સોમ એમ બે દિવસ સંક્રાંતની મજા માણવા મળશે. ફીવર તો આજથી જ શરૂ થઇ ગયો છે. બજારોમાં સવારથી જ સંક્રાંતની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. પતંગ-દોરા, ફીરકી, ટોપી, ચશ્મા, પીપુડા સાથે જ જ્યાફત માટે ચીકી, બોર, જીંજરા, શેરડીની જોરશોરથી ખરીદી થઇ રહી છે. આજ સાંજથી જ રાજકોટની સદર બજારમાં પરંપરાગત પંતગ માર્કેટમાં મેળો જામશે. જે મોડી રાત સુધી ચાલશે. કાલ સવારથીજ રાજકોટમાં શરૂ થશે ધાબે-ધાબે ‘ધામધૂમ’! પતંગ માર્કેટમાં આ વખતે પણ પંતગ દોરાનાં ભાવમાં મોંઘવારીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત આ વખતે જીએસટીનાં કારણે પણ પતંગ દોરા મોંઘા થયા  છે. ગત વર્ષ કરતા ભાવ 20-30 ટકા વધ્યા છે. માંજો રૂા.30થી શરૂ થઇ રહ્યો છે. ખરીદી કરતા પતંગ રસિયાઓએ કહ્યું કે બજેટ તો વધ્યું છે પણ આખા વર્ષમાં ફક્ત એક જ દિવસ આ મોજ આવતી હોય છે. રંગીલા રાજકોટવાસીઓ પતંગોત્સવ ઉજવવા અધીરા બન્યા છે. નવા-જૂના ફિલ્મી ગીતોની પેન ડ્રાઇવમાં તૈયારી કરી લીધી છે. સાથે જ સાંજથી ધાબાઓ ઉપર સ્પીકર લાગી જશે. કાલે સવારથીજ ધાબે જાણે પાર્ટી હોય તેવો માહોલ જામશે. બપોરે જમવાનું પણ ધાબા પર જ! બે દિવસ રાજકોટ આખુ ધાબા પર હશે.