જામનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતJanuary 12, 2019

મેટોડા જીઆઇડીસીમાં બનેલો બનાવ રાજકોટ તા.1ર
જામનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરીવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ ઉપર રહેતા કૌશિકભાઇ ભીખુભાઇ લખતરીયા નામના ર8 વર્ષના વાળંદ યુવાને ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો કૌશિક લખતરીયાને ફોનમાં ધમકી આપતા હોવાથી યુવાને વ્યાજખોરોની ધમકીથી કંટાળી મેટોડા જીઆઇડીસીમાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજ્યું છે. પ્રાથમિક પુછતાછમાં કૌશિક લખતરીયા બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણિત હોવાનું અને યુવાનને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે લેણદારો ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.