કમુરતા બાદ કોંગ્રેસના રાજ્યભરમાં સંમેલન-યાત્રાJanuary 12, 2019

લોકસભાની ચૂંટણીમાં ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ જાન્યુઆરીના અંત સુધીમાં બનાવી લેવાશે રાજકોટ તા.1ર
ગુજરાત કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ર6 બેઠકના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને કોંગ્રેસ હાઇકમાન્ડને સુપરત કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં તાલુકા, જ્લ્લિા પ્રમુખો અને પ્રદેશના પદાધિકારીઓ સાથેની બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ જાહેરાત કરી છે.
આ બેઠકમાં રાજ્યના દરેક ઝોનમાં યુવાનો-ખેડૂતોને ધ્યાનમાં રાખીને સંમેલન અને યાત્રાઓ યોજવા અને આ સંમેલન-યાત્રાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સંબ્ોધન માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દેવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક બાદ મીડિયાને સંબોધતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ચાલુ મહિનાના અંત સુધીમાં તમામ ર6 લોકસભા બેઠકના સંભવિત ઉમેદવારોની એક પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને સુપરત કરાશે અને હાઇકમાન્ડ સતાવાર ઉમેદવારની પસંદગી કરશે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે તાજેતરમાં દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠકમાં તમામ પ્રદેશ પ્રમુખો અને પ્રભારીઓને સ્થાનિક આગેવાનો-કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા આરંભીને ત્રણ નામની પેનલ તૈયાર કરીને જાન્યુઆરીના અંત સુધીમાં હાઇકમાન્ડને આપવાની સુચના આપવામાં આવી છે.
આ સાથે જ ઉતરાયણ બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જીલ્લા પ્રમુખો, ધારાસભ્યો પ્રદેશના નેતાઓ સાથે તબક્કાવાર બેઠક યોજીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે આંતરીક સૂત્રો કહી રહ્યા છે કે હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે અલગથી ખાનગી કંપનીઓ પાસે સર્વે કરાવવામાં આવ્યો છે અને પ્રદેશ તથા ખાનગી કંપની દ્વારા સુચવાયેલા કોમન નામમાંથી ઉમેદવારની પસંદગી કરાશે.
દરમિયાન લોકસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યોમાં ખેડૂતો અને યુવાનોને કેન્દ્રમાં રાખીને યાત્રા અને સંમેલન યોજવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા ક્રાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં યોજાનારા સંમેલન અને યાત્રામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠકમાં શક્તિ પ્રોજેકટ, જનમિત્ર અને ફંડ એકઠુ કરવા સહિતની બાબતો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ નેતાગીરીની અવગણનાની ફરીયાદના પગલે બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખો વિરોધપક્ષના નેતા સહિતના પ્રદેશના સિનિયર નેતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યા હતા અને આ બેઠકમાં તમામ સીનીયરોએ ચૂંટણીલક્ષી કામગીરી અંગે સુચનો કર્યા હતા.