ધારીમાંથી નકલી નોટનું રેકેટ પકડાયુું, બે શખ્સ ઝબ્બેJanuary 12, 2019

જૂનાગઢ અને રાજસ્થાનના શખ્સોએ ભેગા મળી બોગસ ચલણી નોટ બજારમાં ઘૂસાડી દિધી
ધારીમાંથી નકલી નોટનું રેકેટ પકડાયુું, બે શખ્સ ઝબ્બે અમરેલી તા,12
નોટબંધી બાદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા ના કાવતરાને અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ધારી વિસ્તારમાં ગઇકાલે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે વિસાવદર તરફથી એક સફેદ કલરની ઇકો ફોરવ્હીલ વાન નં. જી.જે.11.બી. એચ.3640 છે તે ધારી તરફ આવે છે અને તે ઇકો વાનમાં શંકાસ્પદ મુદ્દામાલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે બાતમી આધારે ધારી ટાઉનમાં લાઇબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
દરમિયાન ઇકો વાન આવતાં તેને રોકી ચેક આ ફોરવ્હીલમાં બેસેલ બે ઇસમોના કબજામાંથી જુદા જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવેલ છે. આરોપી ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદી, (ઉં.વ.31, રહે.મુળ ગામ દાતરાણા, તા.મેંદરડા, જી.જુનાગઢ, હાલ રહે. મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, જૂનાગઢ) તથા વિક્રમસિંહ કેસરસિંહ પવાર, (ઉં.વ.30, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ રાજસ્થાન, ગામ- ઉસ્માનીયા, તા.આસપુર, જી.ડુંગરપુર, હાલ. મધુરમ, વિશ્વકર્મા સોસાયટી, સનશાઇન પેલેસ, એફ-304 જૂનાગઢ)પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો જેમાં રૂ.2000/- ના દરની નોટ નંગ-53 તથા રૂ.500/- ના દરની નોટ નંગ-97 તથા રૂ.200/- ના દરની નોટ નંગ-212 તથા રૂ.100/- ના દરની નોટ નંગ-240 તથા રૂ.50/- ના દરની નોટ નંગ-6 તથા રૂ.10/- ના દરની નોટ નંગ-ર ની કિંમતની મળી કુલ નોટ નંગ-610 જે કિંમત રૂ.2,21,220 ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઇલ ફોન નંગ-ર, કિં.રૂ.3000/- તથા મારૂતિ સુઝુકી ઇકો ફોર વ્હીલ નં. જી.જે.11.બી. એચ.3640 કિં.રૂ.2,50,000/- તથા રેક્ઝીનનો થેલો-1, કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.2,53,000/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછ દરમ્યાન આ બનાવટી ચલણી નોટો કલર ઝેરોક્ષ મશીન કમ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કરતાં હોવાનું ખુલવા પામતાં બગસરા પો.સ.ઇ. ડી.કે.સરવૈયાએ આરોપી ધર્મેન્દ્ર પ્રફુલ્લચંદ્ર ત્રિવેદીને સાથે રાખી તેના જુનાગઢ મુકામે આવેલ રહેણાંક મકાને છાપો મારતાં ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્ષ/પ્રિન્ટર કિં.રૂ.5000/- તથા પ્રિન્ટરની શાહી, નોટો છાપવા માટેના કાગળો, કાતર, વિ. સાધનો પકડી પાડી કબજે લીધેલ છે. સદરહું ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પણ પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.