‘બેબસ’ બાળકો માટે કલેક્ટરની ખુશખુશાલ બસJanuary 12, 2019

આરોગ્ય-સ્વચ્છતાનું પણ અપાશે શિક્ષણ : મુખ્યમંત્રી રૂપાણી 14મીએ ‘વાઉ’ બસને આપશે લીલીઝંડી
રાજકોટ તા,12
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભિનવ પ્રયોગના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલી વિઝડમ ઓન વ્હીલ એટલે કે ‘વાઉ’બસનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.14ના રોજ બપોરે 3 વાગ્યે એરપોર્ટ પાસે યોજવામાં આવેલા એક કાર્યક્રમ બાદ પ્રસ્થાન કરાવવાના છે. સ્વાંત સુખાય યોજના હેઠળ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. સાથે, સરકારની વિવિધ પ્રકારની યોજના અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વાંત સુખાય યોજના હેઠળ ડો. રાહુલ ગુપ્તા, કલેક્ટર-રાજકોટ દ્વારા ‘વાઉ’ પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સર્વેના આધારે પસંદ કરવામાં આવેલા વિસ્તારોના પરિવારો અને તેના બાળકો માટે વિસડોમ ઓન વ્હીલ રૂપે નવતર અભિયાન હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જ્યાં માનવી, ત્યાં સુવિધાની સંકલ્પના આ પ્રોજેક્ટના માધ્યમથી સાકાર કરશે. જેની ધ્યાનાકર્ષક બાબતો નીચે પ્રમાણે છે.
‘વાઉ’ પ્રોજેક્ટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે. સાથે, બાળકના વાલીઓને પાંચ ઉમદા વિષય (1) શિક્ષણ, (2) સ્વાસ્થ્ય, (3) કૌશલ્ય નિર્માણ, (4) સ્વચ્છતા અને (5) સામાજિક જાગૃતિ અંગે આઈસીઈ (ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ એજયુકેશન) પ્રવૃત્તિ કરાવવામાં આવશે. ‘WOW’ પ્રોજેક્ટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે
બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેક્ટર, પાંચ લેપટોપ અને એક પીસી, આર્ટસ અને ક્રાફ્ટ્સના સાધનો, વોશબેઝીન, પ્રાથમિક
સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મિટિંગ કરી શકાય એ માટે એક ફોલ્ડિંગ શેડ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી પ્રોજેક્ટર ઉપર વિવિધ વિષયોની જ્ઞાનવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. બાળકોમાં રોજબરોજના જીવનમાં સારી આદતો કેવી રીતે કેળવી શકાય એનું જ્ઞાન આપવામાં આવશે. બસમાં એક સેનટરી નેપકીન વેન્ડિંગ મશીન પણ રાખવામાં આવી છે. જેમાંથી સેનટરી નેપકીન કોઇ પણ મહિલા સંકોચ વીના મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓને સેનટરી નેપકીન કેવી રીતે બનાવી શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવશે. શેરીનાટકોના પ્રયોગ
અને તારામંડળની પણ
માહિતી આપવામાં અપાશે
શિક્ષિત બેરોજગારોને લેપટોપ થકી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. જેમાં યુવાનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી તેમને પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. સમયાંતરે શેરી નાટકના પ્રયોગપણ કરવામાં આવશે અને બાળકોને તારામંડળની માહિતી પણ અપાશે. ખાસ કરીને સર્વેના આધારે પસંદગીના વિસ્તારોમાં વસતા લોકોને આરોગ્ય અને સ્વચ્છતાલક્ષી શિક્ષણ આપવામાં આવશે. વિશેષત: રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ જેમકે મા યોજના, સ્વચ્છ ભારત, ઉજ્જવલા વિગેરે વિશે માહિતગાર કરવામાં આવશે. આવા પરિવારોને ડેડિકેટેડ ખાનગી તબીબોની પેનલ પાસે આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મેળવી શકાશે. આર્થિક, સામાજિક પ્રવૃત્તિને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલા રાજકોટ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં આ બસ ફરશે. આ અભિનવ પહેલમાં એનસીસી, એનએસએસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.