સંક્રાંતે પક્ષીઓને વિદ્યાર્થીઓનું અભયદાનJanuary 12, 2019

રાજકોટ તા,12
આ પૃથ્વી પર સલામત જીવન જીવવાનો તમામને સમાન હક્ક છે. જેટલો અધિકાર માનવીઓ, એટલો જ અબોલ પશુ-પક્ષીઓનો પણ. જોકે આપણે ઘણીવાર આપણાં ક્ષણિક આનંદ માટે થઇને આ મૂક-નિર્દોષ જીવોની સલામતીનું પણ ધ્યાન રાખતા નથી અને સંક્રાંત પર હજારો પક્ષીઓની જીવનદોર જાણતા-અજાણતા જ કાપી નાખીએ છીએ.
આ અનર્થ થતો અટકે એ માટે ‘ગુજરાત મિરર’ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવી રહ્યું છે જેને સહર્ષ સત્કારીને રાજકોટની અનેક શાળાઓમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પતંગ નહીં ઉડાવવાના સંકલ્પ લીધા હતા.
ગયા વર્ષે પણ ગુજરાત મિરર દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. જે આ સંક્રાંત પર દોહરાવાઈ છે. ધોળકિયા સ્કૂલમાં આ પહેલ અંતર્ગત ભૂલકાઓને શિક્ષકોએ સમજાવ્યું હતું કે કઇ રીતે પતંગદોરથી પક્ષીઓના મોત નિપજે છે અથવા તો ગંભીર ઈજા પહોંચે છે. સરસ્વતી વિદ્યાલયમાં પણ વિડીયો ફિલ્મ બતાવીને આ વાત સમજાવવામાં આવી હતી. કોટક સ્કૂલમાં સંચાલકો-શિક્ષકોએ જીવદયાના કોલ સાથે જાણકારી અપાયા બાદ વિદ્યાર્થીઓએ લેખિત સંકલ્પપત્ર ભર્યા હતા.
મવડી વિસ્તારમાં આવેલ પાર્થ વિદ્યાલયમાં સંક્રાંત નિમિતે વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા તેમજ સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 4 વાગ્યા પછી પતંગ નહી ચગાવવા, પતંગ માટે કાચના દોરાનો ઉપયોગ નહી કરવા સહિતની અનેક વસ્તુઓની સાવચેતી રાખવા છાત્રોને માર્ગદર્શન અપાયું છે.
આમ, અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ શપથ લીધા કે પતંગ શકય હોય ત્યાં સુધી તો ઉડાડશું જ નહીં, અને ઉડાડીએ તો સવારે 6 થી 19માં નહીં કેમ કે ત્યારે પક્ષીઓ ખોરાક શોધવા નીકળતા હોય છે.
ઉપરાંત બપોરે 4 પછી પણ નહીં કારણ કે એ સમય પક્ષીઓના માળામાં પરત ફરવાનો હોય છે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ દ્વારા
ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવો સંકલ્પ લીધો હતો. પક્ષી બચાવો અભિયાન અંતર્ગત શાળાનાં બાળકોને ઓડિયો-વ્યુઝઅલ સ્વરૂપે પતંગ દોરાથી એક પણ પક્ષી ધાયલ ન થાય તેમજ ઘવાયેલું કોઈપણ પક્ષી સારવારનાં અભાવે મૃત્યુ ન પામે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો અને
ત્યારબાદ વિદ્યાર્થીઓએ પક્ષી બચાવવાનો
સંકલ્પ લીધો હતો. જીવદયા પ્રત્યે
કરુણા દાખવતા પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમનાં આયોજન બદલ શાળાનાં પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મર અને વિદ્યાર્થીઓને સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે બિરદાવ્યા હતા. ચાઈનીઝ દોરો તો નહીં જ નહીં...
જાડા, પ્લાસ્ટિકના ચાઈનીઝ દોરાથી પશુ-પક્ષીઓ જ નહીં; માનવી પણ ઘવાય છે. ગળા પર આ દોરીનો છરકો માત્ર પણ જીવલેણ બની શકે છે. દેખીતી રીતે જ, ગગનવિહારી પક્ષીઓ માટે તો ચાઈનીઝ દોરી કત્લેઆમના સરંજામ જેવો જ બની રહે છે. આથી, ચાઈનીઝ દોરો તો પતંગ ઉડાડતી વખતે નહીં જ વાપરવો જોઇએ, અને એ સહન વાત હજારો વિદ્યાર્થીઓને શાળા શિક્ષકોના માધ્યમથી બરાબર સમજાઈ જતાં તેઓ ચાઈનીઝ દોરાને હાથ પણ ન અડાવવા સંકલ્પબધ્ધ થયા છે.
તુક્કલ પણ ક્યારેય નહીં...
ચાઇનીઝ પ્રોડક્ટ એવા તુક્કલ ઉડાડવાથી અનેક વૃક્ષો, પક્ષીઓના માળા તેમજ માણસોની માલ-મિલકત પણ સળગી જવાનો ખતરો રહેતો હોવાથી બાળકોએ આ પ્રતિબંધિત તુક્કલ નહીં ઉડાડવા શપથ લીધા હતા. ‘ગુજરાત મિરર’ના વિડીયોને સોશિયલ મીડિયામાં અનેક લોકોએ નિહાળ્યો, ને બિદરાવ્યો
ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયા કાજ પહેલ કરનાર ‘ગુજરાત મિરર’ દ્વારા જીવદયાનો સંદેશો આપતાં વીડિયો ફેસબૂક અને યુ-ટ્યૂબ પર મૂકાયો છે, જેને અનેક વ્યૂઅર્સે નિહાળ્યો છે તથા ટેલિફોનિક શુભેચ્છા સહ અભિનંદન પાઠવીને આ સામાજિક કાર્યને બિરદાવ્યું પણ છે. આ વિડીયો ૂૂૂwww.facebook.com/gujaratmirrornews/videos ......www.youtube.com/gujaratmirrornews/videos  ઉપર નિહાળી શકાશે.